Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : This player cost KKR a lot in IPL 2026

VIDEO: KKRને મોંઘો પડ્યો આ ખેલાડી, 18 કરોડ લઈને પણ ડેબ્યુ મેચમાં માત્ર 8 બોલ જ ફેંકી શક્યો

Timeછેલ્લું અપડેટ : 17 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અજિંક્ય રહાણેની કેપ્ટનશિપ હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) પોતાની છેલ્લી મેચમાં ગુજરાત ટાઈટન્સને 29 રને હરાવીને પ્લેઓફની રેસમાં પોતાની આશા જીવંત રાખી છે. આ મેચમાં કેકેઆરની બેટિંગ શાનદાર રહી હતી, પરંતુ બોલિંગ બાબતે ટીમ માટે એક ખૂબ જ માઠા સમાચાર સામે આવ્યા છે. ટીમ જે મેચ વિનર બોલરની લાંબા સમયથી રાહ જોઈ રહી હતી, તે પોતાની ડેબ્યુ મેચમાં જ માત્ર 8 બોલ ફેંકીને મેદાન બહાર જતો રહ્યો હતો.

App Store

ડેબ્યુ મેચમાં જ હેમસ્ટ્રિંગનો શિકાર બન્યો મથીસા પાથિરાના

ગુજરાત સામેની મેચમાં KKRએ શ્રીલંકાના સ્ટાર ફાસ્ટ બોલર મથીસા પથિરાનાને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો હતો. પથિરાનાની KKR માટે આ ડેબ્યુ મેચ હતી. જોકે, તે માત્ર 1.2 ઓવર (8 બોલ) જ ફેંકી શક્યો અને તેને હેમસ્ટ્રિંગ ઈન્જરી (સ્નાયુ ખેંચાઈ જવા) થઈ ગઈ. ઈજા એટલી ગંભીર હતી કે તેને અધવચ્ચેથી જ મેદાન છોડીને બહાર જવું પડ્યું હતું. KKRની ટીમ લાંબા સમયથી પથિરાનાના ફિટ થવાની રાહ જોઈ રહી હતી, પરંતુ જેવો તે મેદાન પર ઉતર્યો કે તરત જ ફરી ઈજાગ્રસ્ત થઈ ગયો. આ કમનસીબ ઘટના બાદ સોશિયલ મીડિયા પર પથિરાના અને KKRની ટીમ ખરાબ રીતે ટ્રોલ થઈ રહી છે.

હરાજીમાં મળ્યા હતા 18 કરોડ

IPL મેગા ઓક્શનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) દ્વારા રિલીઝ કરાયેલા પથિરાનાને ખરીદવા માટે ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે ભારે ખેંચતાણ થઈ હતી. જેમાં અંતે KKR એ 18 કરોડ રૂપિયાની અધધ રકમ ચૂકવીને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. સિઝન શરૂ થાય તે પહેલા જ પથિરાના ઈજાગ્રસ્ત થયો હતો. તે સાજો થયો ત્યારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) તરફથી એનઓસી (NOC) મળવામાં વિલંબ થયો.

કરો યા મરો મેચમાં એન્ટ્રી

NOC મળ્યા બાદ પણ KKRએ તેને બેન્ચ પર બેસાડી રાખ્યો હતો. આખરે જ્યારે ટીમ માટે દરેક મેચ 'કરો યા મરો' જેવી બની ગઈ, ત્યારે તેને મેદાન પર ઉતારવામાં આવ્યો પણ કિસ્મતે સાથ ન આપ્યો. ક્રિકેટ ફેન્સ હવે સોશિયલ મીડિયા પર પથિરાનાને IPL ઈતિહાસની સૌથી ખરાબ ખરીદીઓમાંથી એક ગણાવી રહ્યા છે, કારણ કે આટલી મોટી રકમ લીધા પછી પણ તે ટીમ માટે ઉપયોગી સાબિત નથી થઈ શક્યો.

પ્લેઓફ પહેલા KKRની ચિંતા વધી

ગુજરાત સામે જીત મેળવ્યા બાદ KKR પાસે પ્લેઓફની તક તો છે, પરંતુ પથિરાનાની ઈજાએ મેનેજમેન્ટની ઊંઘ ઉડાવી દીધી છે. હવે કોલકાતા નાઈટ રાઈડર્સ માત્ર એવી જ આશા રાખી શકે કે પથિરાના આગામી બે મહત્ત્વની મેચો પહેલા ફિટ થઈને ટીમમાં વાપસી કરે, જેથી તેની બોલિંગ લાઈનઅપ મજબૂત થઈ શકે.