Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Kolkata stops Gujarat's winning streak

VIDEO: કોલકાતાએ અટકાવ્યો ગુજરાતની જીતનો સિલસિલો, એલન-રઘુવંશીની ઈનિંગ સામે વ્યર્થ ગઈ શુભમન-બટલરની ફિફ્ટી

Timeછેલ્લું અપડેટ : 17 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

IPL 2026માં 16 મેના રોજ રમાયેલી હાઈસ્કોરિંગ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) ગુજરાત ટાઈટન્સ (GT) ને 29 રનથી હરાવીને જીત મેળવી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 247 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જવાબમાં ગુજરાત ટાઈટન્સની ટીમ 20 ઓવરમાં 4 વિકેટે 218 રન જ બનાવી શકી હતી. આ મેચમાં કુલ 6 બેટરોએ ફિફ્ટી ફટકારી હતી.

App Store

ફિન એલનને બીજી વખત 10 સિક્સ ફટકારી વૈભવ-અભિષેકના રેકોર્ડની બરાબરી કરી

KKRના ઓપનિંગ બેટ્સમેન ફિન એલને માત્ર 35 બોલમાં 10 સિક્સ અને 4 ફોર ફટકારી 93 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તેણે માત્ર 21 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી હતી. એલન પાસે આ સિઝનની બીજી સદી ફટકારવાની તક હતી, પરંતુ તે સ્પિનર આર. સાઈ કિશોરના બોલ પર મોટો શોટ રમવા જતાં લોંગ ઓન પર રાશિદ ખાનના હાથે કેચ આઉટ થયો હતો. આ ઈનિંગ સાથે જ ફિન એલને IPLમાં બીજી વખત એક ઈનિંગમાં 10 સિક્સ ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા તેણે દિલ્હી કેપિટલ્સ સામે અણનમ 100 રન (10 સિક્સ) બનાવ્યા હતા. આ પરાક્રમ સાથે તે વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માની બરાબરી કરીને IPL ઈનિંગમાં સૌથી વધુ વખત 10 કે તેથી વધુ સિક્સ ફટકારનારા બેટરોની યાદીમાં સંયુક્ત રીતે બીજા સ્થાને આવી ગયો છે.

રઘુવંશી અને કેમરન ગ્રીનની ધમાકેદાર બેટિંગ

કેપ્ટન અજિંક્ય રહાણે સસ્તામાં આઉટ થયા બાદ અંગકૃષ રઘુવંશીએ 44 બોલમાં 4 ફોર અને 7 સિક્સની મદદથી અણનમ 82 રન ફટકાર્યા હતા. જ્યારે કેમરન ગ્રીને માત્ર 28 બોલમાં 3 ફોર અને 4 સિક્સ સાથે અણનમ 52 રન ફટકાર્યા હતા. ગુજરાત તરફથી મોહમ્મદ સિરાજ (4 ઓવરમાં 50 રન આપી) અને સાઈ કિશોર (3 ઓવરમાં 38 રન આપી) ને 1-1 વિકેટ મળી હતી.

શુભમન ગિલ અને જોસ બટલરની લડત એળે ગઈ

248 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની શરૂઆત સારી રહી હતી. ઓપનર સાઈ સુદર્શને 28 બોલમાં 6 ફોર અને 3 સિક્સ સાથે અણનમ 53 રન બનાવ્યા હતા. કેપ્ટન શુભમન ગિલે શાનદાર કેપ્ટન ઈનિંગ રમતા 49 બોલમાં 5 ફોર અને 7 સિક્સની મદદથી 85 રન ફટકાર્યા હતા. જોસ બટલરે પણ 35 બોલમાં 5 ફોર અને 2 સિક્સ સાથે 57 રનની ઈનિંગ રમી હતી. જોકે નિશાંત સિંધુ (1 રન) અને રાહુલ તેવાતિયા (2 રન) સસ્તામાં આઉટ થતાં ગુજરાત જીતથી 29 રન દૂર રહી ગયું હતું. KKR તરફથી સુનિલ નારાયણે 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. સૌરભ દુબે અને કેમરન ગ્રીનને 1-1 વિકેટ મળી હતી, જ્યારે કાર્તિક ત્યાગી 4 ઓવરમાં 59 રન આપીને સૌથી મોંઘો સાબિત થયો હતો. આ જીત સાથે KKR હજુ પણ પ્લેઓફની રેસમાં જીવંત છે.