VIDEO: ચેન્નાઈ સામે મેચ જીત્યા બાદ રિષભ પંતને લાગ્યો મોટો ઝટકો, BCCIએ ફટકાર્યો દંડ
રિષભ પંતની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ભલે IPL 2026ની પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હોય, પરંતુ તે હવે અન્ય ટીમોનું પ્લેઓફ સમીકરણ બગાડવામાં લાગી ગઈ છે. લખનૌની ટીમનો પહેલો શિકાર 5 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) બની છે. લખનૌએ ચેન્નાઈ સામેની મેચમાં 7 વિકેટે ધમાકેદાર જીત નોંધાવી હતી. આ જીતથી કેપ્ટન રિષભ પંત ચોક્કસપણે ખુશ થયો હશે, પરંતુ તેની આ ખુશી લાંબો સમય નહતી ટકી શકી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા IPL કોડ ઓફ કન્ડક્ટનું ઉલ્લંઘન કરવા બદલ પંતને સજા ફટકારવામાં આવી છે અને દંડ પણ લગાવવામાં આવ્યો છે.
સ્લો ઓવર રેટ બદલ રિષભ પંતને ₹12 લાખનો દંડ
IPL દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર યાદી અનુસાર, લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંત પર શુક્રવારે લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ નંબર 59 દરમિયાન સ્લો ઓવર રેટ જાળવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. IPLના કોડ ઓફ કન્ડક્ટના આર્ટિકલ 2.22 હેઠળ, આ સિઝનમાં લખનઉની ટીમની આ પહેલી ભૂલ હતી, તેથી કેપ્ટન રિષભ પંત પર 12 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.
મિચેલ માર્શની તોફાની ઇનિંગ્સ, ચેન્નાઈને પ્લેઓફ માટે મોટો ઝટકો
લખનૌ સુપર જાયન્ટ્સે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિચેલ માર્શની 90 રનની તોફાની ઈનિંગ્સની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સને 20 બોલ બાકી રહેતા 7 વિકેટે હરાવીને પ્લેઓફમાં પહોંચવાની તેની આશાઓને મોટો ઝટકો આપ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે 187 રન પર રોક્યા બાદ, પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ચૂકેલી લખનૌની ટીમે માત્ર 16.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 188 રન બનાવી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ હારથી ચેન્નાઈના નેટ રનરેટને પણ ભારે નુકસાન થયું છે.
ચેન્નાઈ સુપર કિંગ્સની 12 મેચોમાં આ છઠ્ઠી હાર છે, જેના કારણે ટીમનો નેટ રનરેટ 0.185થી ઘટીને 0.027 થઈ ગયો છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાનેથી છઠ્ઠા સ્થાને સરકી ગઈ છે.
લખનૌની આક્રમક બેટિંગ સામે CSKના બોલરો લાચાર
મિચેલ માર્શે પોતાની 38 બોલની ઈનિંગમાં 9 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. તેણે ઓપનિંગ વિકેટ માટે જોશ ઈંગ્લિશ (35 રન) સાથે મળીને માત્ર 70 બોલમાં 135 રનની તોફાની પાર્ટનરશિપ કરીને મેચની શરૂઆતમાં જ ચેન્નાઈની પકડ ઢીલી કરી દીધી હતી. માર્શ અને નિકોલસ પૂરને (17 બોલમાં અણનમ 32 રન) મળીને ચેન્નાઈના અંશુલ કમ્બોજની એક જ ઓવરમાં ચાર-ચાર છગ્ગા ફટકાર્યા હતા. કમ્બોજે પોતાની 2.4 ઓવરના સ્પેલમાં 63 રન લૂંટાવ્યા હતા.
ચેન્નાઈ તરફથી કાર્તિક શર્મા અને શિવમ દુબેની લડાયક બેટિંગ
મિચેલ માર્શની આક્રમક ઈનિંગે ચેન્નાઈના યુવા બેટર કાર્તિક શર્માની શાનદાર ઈનિંગને ફીકી પાડી દીધી હતી. તોપ ઓર્ડરના બેટર્સ સસ્તામાં આઉટ થયા બાદ, ચેન્નાઈએ કાર્તિક શર્માની 71 રનની સંયમિત ઈનિંગની મદદથી સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. ચેન્નાઈની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે 7.2 ઓવરમાં 52 રનમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી.
ત્યારબાદ કાર્તિક શર્મા અને ડેવાલ્ડ બ્રેવિસે (25 રન) ચોથી વિકેટ માટે 70 રન જોડીને ઈનિંગને સંભાળી હતી. કાર્તિકે 42 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે બ્રેવિસે 16 બોલમાં 2 છગ્ગા લગાવ્યા હતા. અંતિમ ઓવર્સમાં શિવમ દુબેએ 16 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 32 રન ફટકારીને ટીમને 187 રન સુધી પહોંચાડી હતી.

