Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Major IPL Pass Scam Uncovered in Delhi

દિલ્હીમાં IPL પાસનું મોટું કૌભાંડ, વિરાટ કોહલીની મેચનો એક-એક ફ્રી પાસ 80 હજારમાં વેચાયો

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
દિલ્હીમાં IPL પાસનું મોટું કૌભાંડ, વિરાટ કોહલીની મેચનો એક-એક ફ્રી પાસ 80 હજારમાં વેચાયો
સોર્સ : GSTV

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL મેચો દરમિયાન વીઆઈપી અને કોમ્પ્લિમેન્ટ્રી (ફ્રી) પાસની કાળાબજારી કરવાનું એક મોટું અને સંગઠિત કૌભાંડ સામે આવ્યું છે. દિલ્હી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌભાંડ કોઈ સામાન્ય નાની ગેંગ દ્વારા નહીં, પરંતુ સ્ટેડિયમની અંદરથી જ દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) ના વરિષ્ઠ અધિકારીઓ અને પેટ્રોલ પંપના કર્મચારીઓની મદદથી ચલાવવામાં આવી રહ્યું હતું.

App Store

વિરાટ કોહલીની મેચમાં સૌથી વધુ ઉઘાડી લૂંટ

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની હાઈ-પ્રોફાઈલ મેચ દરમિયાન સૌથી વધુ કાળાબજારી થઈ હતી. સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીને રમતા જોવા માટે ફેન્સમાં રહેલા ભારે ક્રેઝનો ફાયદો ઉઠાવીને એક-એક ફ્રી પાસ ₹80,000 સુધીની કિંમતે બ્લેકમાં વેચવામાં આવ્યો હતો. સામાન્ય મેચોમાં પણ આ પાસ ₹8,000 થી ₹20,000 માં વેચાતા હતા અને મેચ શરૂ થવાની છેલ્લી મિનિટોમાં કિંમતો હજુ વધારી દેવાતી હતી.

પેટ્રોલ પંપથી ઓપરેટ થતું હતું નેટવર્ક

આ કૌભાંડની કામગીરી અત્યંત ચોંકાવનારી છે. સ્ટેડિયમની બિલકુલ બાજુમાં આવેલા એક પેટ્રોલ પંપનો ઉપયોગ આ પાસના વિતરણ કેન્દ્ર તરીકે થતો હતો. DDCAના કથિત માસ્ટરમાઇન્ડ અધિકારી દ્વારા આ પાસ પેટ્રોલ પંપના કર્મચારી પંકજ યાદવ સુધી પહોંચાડવામાં આવતા હતા. પંકજ આ પાસ આગળ મુકીમ, ગુફરાન અને મોહમ્મદ ફૈઝલ નામના યુવકોને આપતો, જેઓ સ્ટેડિયમના અલગ-અલગ ગેટ બહાર ગ્રાહકો શોધીને કે ફોન પર ડીલ કરીને પાસ વેચી દેતા હતા. પોલીસે બાતમીના આધારે આ તમામની ધરપકડ કરી છે.

ઓનલાઈન સટ્ટાબાજી અને ગુનાહિત કનેક્શનની આશંકા

નિયમ મુજબ હોસ્ટ એસોસિએશન (DDCA) ને સ્ટેડિયમની ક્ષમતાના 10 થી 15 ટકા એટલે કે લગભગ 6,000 પાસ ફ્રી વહેંચવા માટે મળે છે, જેમાંથી બચેલા પાસ આ રીતે બ્લેકમાં વેચી કરોડો રૂપિયા કમાવવામાં આવ્યા છે. પોલીસને આશંકા છે કે આ પ્રીમિયમ પાસ એવા સટ્ટાબાજોને પણ આપવામાં આવ્યા હતા જેઓ સ્ટેડિયમની અંદર બેસીને લાઈવ સટ્ટો (લાઈવ બેટિંગ) ઓપરેટ કરે છે. પકડાયેલા આરોપીઓના મોબાઈલમાંથી ચેટ અને કોલ રેકોર્ડ ડિલીટ કરી દેવાયા હોવાથી ફોનને ફોરેન્સિક તપાસ માટે મોકલાયા છે જેથી અન્ય શહેરોના કનેક્શન પણ ખોલી શકાય.