કરુણ નાયરની કારકિર્દી ખતમ! હવે નહીં થાય વાપસી; આ દિગ્ગજની ભવિષ્યવાણીએ સૌને ચોંકાવ્યા

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ આગાહી કરી છે કે કરુણ નાયર ભાગ્યે જ ક્યારેય ટીમ ઈન્ડિયામાં પાછો ફરી શકશે. ઓસ્ટ્રેલિયા-A ટીમ ટૂંક સમયમાં ભારતનો પ્રવાસ કરવા જઈ રહી છે, જ્યાં નાયરને 2 અનઓફિશિયલ ટેસ્ટ મેચની ટીમમાં સ્થાન નથી મળ્યું. કરુણ નાયર એ જ બેટ્સમેન છે જે 8 વર્ષ પછી ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો હતો, પરંતુ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ફક્ત 205 રન જ બનાવી શક્યો હતો. આકાશ ચોપરાએ દાવો કર્યો છે કે હવે કદાચ સિલેક્ટર્સે નાયરને બદલે અન્ય વિકલ્પો શોધવાનું શરૂ કર્યું છે.
આકાશ ચોપરાએ તેની યુટ્યુબ ચેનલ દ્વારા કહ્યું કે કરુણ નાયરને તેની ઈચ્છા મુજબ બીજી તક મળી. તે ફિટ અને ઉપલબ્ધ હતો, છતાં તેને ઈન્ડિયા-A ટીમમાં પસંદ ન કરવામાં આવ્યો.
આકાશ ચોપરાએ કહ્યું, "દુર્ભાગ્યવશ, એવું લાગે છે કે કરુણ નાયર હવે ટીમ ઈન્ડિયા માટે નહીં રમે. એવું નથી કે તે ઉપલબ્ધ નથી. તે ફિટ છે, છતાં તેની પસંદગી નથી કરવામાં આવી. એવું લાગે છે કે સિલેક્ટર્સે નાયરને બદલે અન્ય ખેલાડીઓ પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે."
કરુણ નાયર ઈંગ્લેન્ડમાં નિષ્ફળ ગયો
ઈંગ્લેન્ડ પ્રવાસમાં કરુણ નાયરને નંબર-3 પર તક આપવામાં આવી હતી, તેણે નંબર-5 અને છઠ્ઠા સ્થાને પણ બેટિંગ કરી હતી. સમગ્ર ઈંગ્લેન્ડ પ્રવાસમાં, તેણે 8 ઈનિંગ્સમાં ફક્ત 25.63ની એવરેજથી 205 રન બનાવ્યા હતા. તે 8 ઈનિંગ્સમાં ફક્ત એક જ અડધી સદી ફટકારી શક્યો હતો. તે સારું પ્રદર્શન કરીને કાયમી ત્રીજું સ્થાન મેળવી શક્યો હોત, પરંતુ નિષ્ફળ ગયો.
શ્રેયસ અય્યર પર પણ મોટું નિવેદન
ચોપરાએ કહ્યું કે ઈન્ડિયા-Aટીમનો કેપ્ટન હવે જમણા હાથનો બેટ્સમેન શ્રેયસ અય્યર હશે, જેને આગામી મેન્સ T20 એશિયા કપ માટે ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યો. તેણે કહ્યું કે એ રસપ્રદ છે કે અય્યરને રેડ-બોલ મેચો માટે A ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આનાથી તેના માટે ટેસ્ટ ટીમમાં પાછા ફરવાનો માર્ગ ખુલ્યો છે, ખાસ કરીને વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં.

