T20 વર્લ્ડકપ 2026ની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાઇ શકે, 20 ટીમ ભાગ લેશે

આગામી વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ 2026ની સંભવિત તારીખો સામે આવી છે. એક અહેવાલ પ્રમાણે આ ICC ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ વચ્ચે ભારત અને શ્રીલંકામાં રમાઈ શકે છે. 10માં ICC T20 વર્લ્ડકપની ફાઈનલની યજમાની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને મળી શકે છે, પરંતુ જો પાકિસ્તાન ફાઈનલમાં પહોંચે છે તો વેન્યૂમાં ફેરફાર થઈ શકે છે.ભારત T20 વર્લ્ડકપનો ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. 2024માં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટાઈટલ પર કબજો કર્યો હતો.
2026માં T20 વર્લ્ડકપની ફાઈનલ અમદાવાદમાં રમાય તેવી શક્યતા
આગામી T20 વર્લ્ડ કપ 2026માં કુલ 20 ટીમો ભાગ લેશે અને 55 મેચ રમાશે, જે ભારતના પાંચ વેન્યૂ અને શ્રીલંકાના બે વેન્યૂ પર રમાશે. એવી માહિતી સામે આવી રહી છે કે, ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો કે, જો પાકિસ્તાન ફાઈનલ માટે ક્વોલિફાય થાય છે, તો મેચ કોલંબોમાં રમાશે.
BCCI 2026 T20 વર્લ્ડકપની યજમાની કરશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) 2026 T20 વર્લ્ડકપની યજમાની કરશે. જોકે, પાકિસ્તાનની બધી મેચોના આયોજન માટે શ્રીલંકાને સહ-યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ વર્ષની શરૂઆતમાં BCCI અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વચ્ચે એક કરાર થયો હતો કે બંને સરકારો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય તણાવને કારણે તેઓ એકબીજાના દેશોમાં નહીં રમશે. આ વર્ષે એપ્રિલમાં પહલગામ આતંકવાદી હુમલા પછી આ તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.
અહેવાલમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ICC એ હજુ સુધી શેડ્યૂલ નક્કી નથી કર્યું, પરંતુ ટુર્નામેન્ટની તારીખ ચોક્કસપણે નક્કી થઈ ગઈ છે અને તમામ ભાગ લેનારા દેશોને જાણ કરી દેવામાં આવી છે.
T20 વર્લ્ડકપ માટે માત્ર 15 ટીમો જ ક્વોલિફાય
હાલમાં આગામી વર્ષે યોજાનાર T20 વર્લ્ડકપ માટે માત્ર 15 ટીમો જ ક્વોલિફાય થઈ છે, જેમાં ભારત, શ્રીલંકા, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, અમેરકા, વેસ્ટ ઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, નેધરલેન્ડ અને પ્રથમ વખત રમાનારી ટીમ ઈટાલી સામેલ છે. બાકીના પાંચ સ્થાનોમાંથી બે આફ્રિકા પ્રાદેશિક ક્વોલિફાયરમાંથી અને ત્રણ એશિયા અને પૂર્વ એશિયા પેસિફિક ક્વોલિફાયરમાંથી નીકળશે.

