ટેનિસ બોલ ક્રિકેટરોની કાર ટ્રકમાં ઘૂસી, 3 ખેલાડીઓના ઘટનાસ્થળે મોત

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના સુલતાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસવે (Purvanchal Expressway) પર બુધવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident) સર્જાયો હતો. લખનઉથી દેવરિયા પરત ફરી રહેલા છ ટેનિસ બોલ ક્રિકેટ (Tennis Ball Cricket) ખેલાડીઓની કાર આગળ જઈ રહેલા ટ્રકમાં પાછળથી ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ફુરચા ઉડી ગયા હતા. આ ઘટનામાં ત્રણ ક્રિકેટરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ ખેલાડીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
મોડી રાત્રે મેચ રમીને દેવરિયા પરત ફરી રહ્યા હતા
મળતી માહિતી મુજબ અર્ટિગા (Ertiga) કારમાં કુલ છ લોકો સવાર હતા. તમામ ખેલાડીઓ લખનઉમાં ક્રિકેટ મેચ રમીને દેવરિયા તરફ પરત ફરી રહ્યા હતા. બુધવારે સવારે પૂર્વાંચલ એક્સપ્રેસવે પર માઈલસ્ટોન 97.500 નજીક કારની આગળ જઈ રહેલા ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ હતી.
ટક્કર એટલી ભીષણ હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માત બાદ રસ્તા પર ચીસાચીસ મચી ગઈ હતી. આસપાસથી પસાર થઈ રહેલા વાહનચાલકો અને રાહદારીઓએ પોલીસ (Police) તથા એમ્બ્યુલન્સ (Ambulance)ને જાણ કરી હતી.
રાહત-બચાવ કામગીરી શરૂ કરાઈ
અકસમાતની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને યૂપીડા (UPEIDA)ના સુરક્ષા કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operation) શરૂ કરવામાં આવ્યું હતું.
અકસ્મતમાં ત્રણ ખેલાડીઓના ઘટનાસ્થળે જ મોત થઈ ચૂક્યા હતા. ગંભીર રીતે ઘાયલ ત્રણ ખેલાડીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કુમારગંજ સ્થિત 100 શૈયાવાળી સંયુક્ત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર (Primary Treatment) બાદ ત્રણેયને વધુ સારવાર માટે મેડિકલ કોલેજ દર્શનગર રિફર કરવામાં આવ્યા હતા.
ત્રણેય ઘાયલ ખેલાડીઓની હાલત ગંભીર
અકસ્મતમાં ઘાયલ થયેલા ખેલાડીઓમાં દેવરિયા જિલ્લાના લાર પોલીસ સ્ટેશન વિસ્તારના લખૌરા ગામના 23 વર્ષીય આનંદ યાદવ, તૈર બુઝુર્ગના 22 વર્ષીય રાજૂ અને પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના જમુનીના 30 વર્ષીય જયંતો શર્માનો સમાવેશ થાય છે.
ડોક્ટરોએ ત્રણેયની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રાથમિક સારવાર બાદ તેમને ઉચ્ચ સ્તરની સારવાર માટે મેડિકલ કોલેજ મોકલ્યા હતા.
કારમાં સવાર ખેલાડીઓને અકસ્માત કેવી રીતે થયો તેની જાણ નહોતી
ઘાયલ ખેલાડી જયંતો શર્માએ જણાવ્યું હતું કે તેઓ તમામ ટેનિસ બોલ ક્રિકેટ ખેલાડીઓ છે અને લખનઉમાં મેચ રમ્યા બાદ દેવરિયા પરત ફરી રહ્યા હતા. મુસાફરી દરમિયાન કારમાં સવાર તમામ લોકો ઊંઘી રહ્યા હતા. અચાનક થયેલા અકસ્માતને કારણે શું થયું તેની તેમને પણ જાણ થઈ શકી નહોતી.
તેમણે જણાવ્યું કે કારમાં નિત્યા પ્રજાપતિ, ઇરફાન અંસારી અને અનિકેત સહિત છ લોકો સવાર હતા. પોલીસ દ્વારા હવે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ (Investigation) શરૂ કરવામાં આવી છે.
અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર
અકસ્મામાં સામેલ ટ્રકનો ચાલક અકસ્માત બાદ ટ્રક લઈને ત્યાંથી નીકળી ગયો હતો. પોલીસ હવે ટ્રક અને તેના ચાલકની શોધખોળ કરી રહી છે. અકસ્માતનું કારણ કારની ઝડપ, ડ્રાઈવરની સ્થિતિ અથવા અન્ય કોઈ પરિબળ હતું કે કેમ તે તપાસ બાદ સ્પષ્ટ થશે.
ત્રણ ગામોમાં છવાયો શોક
ત્રણ યુવા ક્રિકેટરોના મોતના સમાચાર દેવરિયા પહોંચતા જ તેમના ગામોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતક ખેલાડીઓના ઘરો પાસે મોટી સંખ્યામાં ગ્રામજનો, યુવાનો અને અન્ય ક્રિકેટરો એકત્ર થઈ ગયા હતા. પરિવારજનો પણ સુલતાનપુર માટે રવાના થઈ ગયા હતા.
મૃતક ત્રણેય ખેલાડીઓ ટેનિસ બોલ ક્રિકેટના જાણીતા ખેલાડીઓ હતા અને અવારનવાર અલગ-અલગ શહેરોમાં યોજાતા ક્રિકેટ ટૂર્નામેન્ટ (Cricket Tournament)માં ભાગ લેવા જતા હતા.
સીતામઢીથી લખનઉ અને પછી પરત ફરતી વખતે અકસ્માત
મળતી માહિતી પ્રમાણે ત્રણેય ખેલાડીઓ થોડા દિવસ પહેલાં બિહારના સીતામઢી ખાતે ક્રિકેટ રમવા ગયા હતા. ત્યાંથી ઇરફાન અંસારીની અર્ટિગા કારમાં ત્રણેય મંગળવારે લખનઉ પહોંચ્યા હતા. અહીં તેમણે બીકેજી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો.
ટૂર્નામેન્ટ બાદ રાત્રે જ તેઓ દેવરિયા પરત ફરવા નીકળ્યા હતા. પરંતુ સુલતાનપુર નજીક પૂર્વાંચલ એક્સપ્રેસવે પર થયેલા ભયાનક અકસ્માતે ત્રણ પરિવારોની ખુશી છીનવી લીધી.
નિત્યાના પરિવારમાં માતમ, પત્ની ગર્ભવતી
અકસ્મતમાં મૃત્યુ પામેલા નિત્યા પ્રજાપતિના લગ્ન બે વર્ષ પહેલાં જ થયા હતા. તેમની પત્ની કૃતિ હાલ ગર્ભવતી છે. નિત્યાની માતા બિંદુ અને ભાઈ નિખિલ રડી-રડીને હાલ બેહાલ છે.
નિત્યાના પિતા મનોજ પ્રજાપતિ વિસ્તારમાં હલવાઈનું કામ કરે છે. બીજી તરફ ઇરફાન અંસારીના પિતા દુબઈમાં રહે છે, જ્યારે તેમનો ભાઈ એક શોરૂમમાં નોકરી કરે છે.
યુવા ક્રિકેટરોના અચાનક થયેલા મોતથી તેમના પરિવારજનો તેમજ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

