VIDEO: IND vs NZ / ત્રીજા T20 વર્લ્ડ કપ ટાઈટલ પર ભારતની નજર, જાણો અત્યાર સુધી કેટલી ટીમોએ જીતી છે આ ટ્રોફી
ICC T20 વર્લ્ડ કપ 2026 શરૂ થાય તે પહેલા જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને ટાઈટલ માટે મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યું હતું અને ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં પહોંચીને આ સાબિત કર્યું છે. બધાની નજર હવે 8 માર્ચે યોજાનારી ટાઈટલ મેચ પર છે, જ્યાં ટીમ ઈન્ડિયા પાસે ત્રીજી વખત ટ્રોફી જીતીને ઈતિહાસ રચવાની તક છે. જોકે, ફાઈનલમાં ટીમ ઈન્ડિયા માટે ન્યુઝીલેન્ડનો પડકાર સરળ નહીં રહે. અત્યાર સુધી ફક્ત છ દેશોએ T20 વર્લ્ડ કપ જીત્યો છે. ન્યુઝીલેન્ડ પાસે ટ્રોફી જીતનાર સાતમો દેશ બનવાની તક છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે અત્યાર સુધી T20 વર્લ્ડ કપ ટ્રોફી ક્યારે અને કઈ ટીમોએ જીતી છે.
ટીમ ઈન્ડિયાએ 2007 અને 2024માં ટ્રોફી જીતી હતી
2007માં જ્યારે T20 વર્લ્ડ કપ પહેલીવાર રમાયો હતો, ત્યારે ટીમ ઈન્ડિયા એમએસ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ટુર્નામેન્ટમાં રમી હતી. ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાનો સામનો પાકિસ્તાન સામે થયો હતો, જે ટીમ ઈન્ડિયાએ જીતીને પોતાની પહેલી ટ્રોફી મેળવી હતી. આ પછી ટીમ ઈન્ડિયાને બીજી વખત ટ્રોફી જીતવા માટે 17 વર્ષ રાહ જોવી પડી હતી. રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયાએ 2024ના T20 વર્લ્ડ કપની ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને બીજી વખત ટાઈટલ જીત્યું હતું.
વેસ્ટ ઈન્ડિઝે 2012 અને 2016માં ટાઈટલ જીત્યું હતું
વેસ્ટ ઈન્ડિઝે એક સમયે T20 ફોર્મેટમાં પ્રભુત્વ મેળવ્યું હતું, તેણે 2012માં પહેલી વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી તેને બીજી વખત ટાઈટલ જીતવા માટે વધુ રાહ નહતી જોવી પડી. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાયેલી 2016ના T20 વર્લ્ડ કપની ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે ઈંગ્લેન્ડને હરાવીને બીજી વખત ટ્રોફી જીતી હતી.
ઈંગ્લેન્ડે 2010 અને 2022માં T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી
ઈંગ્લેન્ડની ટીમે પણ અત્યાર સુધીમાં બે વાર T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે. 2010માં ઈંગ્લેન્ડે T20 વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને પ્રથમ વખત ટાઈટલ જીત્યું હતું. ત્યારબાદ, 2022ના T20 વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાકિસ્તાનને હરાવીને બીજી વખત ટાઈટલ જીત્યું હતું.
પાકિસ્તાન, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાએ એક-એક વખત ટાઈટલ જીત્યું છે
અત્યાર સુધી પાકિસ્તાન, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાએ ફક્ત એક જ વાર T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે. પાકિસ્તાની ટીમે ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને 2009નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. શ્રીલંકાએ 2014ના T20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતને હરાવીને પ્રથમ વખત ટ્રોફી જીતી હતી. ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને 2021નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો.
2007થી T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતનાર ટીમો
| વર્ષ | વિનર | રનર-અપ |
| 2007 | ભારત | પાકિસ્તાન |
| 2009 | પાકિસ્તાન | શ્રીલંકા |
| 2010 | ઈંગ્લેન્ડ | ઓસ્ટ્રેલિયા |
| 2012 | વેસ્ટ ઈન્ડિઝ | શ્રીલંકા |
| 2014 | શ્રીલંકા | ભારત |
| 2016 | વેસ્ટ ઈન્ડિઝ | ઈંગ્લેન્ડ |
| 2021 | ઓસ્ટ્રેલિયા | ન્યુઝીલેન્ડ |
| 2022 | ઈંગ્લેન્ડ | પાકિસ્તાન |
| 2024 | ભારત | સાઉથ આફ્રિકા |

