T20 World Cup 2026: અમદાવાદીઓ માટે આનંદના સમાચાર, આ હોઈ શકે છે ફાઇનલ મેચનું સ્થળ!

ભારત અને શ્રીલંકા 2026 T20 વર્લ્ડ કપનું આયોજન કરશે. વર્લ્ડ કપની સેમિફાઇનલ, ફાઇનલ અને ઓપનિંગ મેચો અંગે એક મોટી અપડેટ સામે આવી છે. એક અહેવાલ મુજબ વર્લ્ડ કપની પહેલી અને છેલ્લી એટલે કે ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક સેમિફાઇનલ યોજાશે. એવું જાણવા મળ્યું છે કે, T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન રમાશે.
જો ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમિફાઇનલ રમાશે, તો...
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અગાઉ 2023 ODI વર્લ્ડ કપની પહેલી અને છેલ્લી મેચો યોજાઈ હતી. જો ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમિફાઇનલ રમાશે, તો તે કોલંબોમાં યોજાશે, જ્યારે બીજી સેમિફાઇનલ મુંબઈમાં રમાશે.
બંને દેશોમાં કુલ સાત સ્થળોએ વર્લ્ડ કપ મેચોનું આયોજન
શ્રીલંકા વર્લ્ડ કપનું સહ-યજમાન છે, અને બંને દેશોમાં કુલ સાત સ્થળોએ વર્લ્ડ કપ મેચોનું આયોજન કરવામાં આવશે. ભારતમાં મેચો ચેન્નાઈ, દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને કોલકાતામાં રમાઈ શકે છે. શ્રીલંકામાં મેચ રમાડવા માટે ત્રણ સ્થળોની પસંદગી થઈ શકે છે.
થોડા દિવસોમાં વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર થઈ શકે
વોર્મ-અપ મેચોના સ્થળ માટે હજુ સ્પષ્ટતા થઈ નથી. એવી શક્યતા છે કે, બેંગલુરુમાં કેટલીક વોર્મ-અપ મેચોનું આયોજન થઈ શકે છે. ભારતીય ટીમની મેચો દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈ જેવા મુખ્ય શહેરોમાં યોજાઈ શકે છે. ICC આગામી થોડા દિવસોમાં વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરે તેવી શક્યતા છે. આ વખતે દરેક મેદાન પર T20 વર્લ્ડ કપમાં 6 મેચનું આયોજન થવાની ધારણા છે.

