IND vs NZ / ઈશાન કિશનની તોફાની ઈનિંગ છતાં તેનાથી નારાજ હતો સૂર્યકુમાર યાદવ, મેચ બાદ કર્યો ખુલાસો

કેપ્ટન સૂર્યકુમાર યાદવ (82*) અને ઇશાન કિશન (76) ની વિસ્ફોટક અડધી સદીની મદદથી ભારતે શુક્રવારે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી T20I મેચમાં ન્યુઝીલેન્ડને 7 વિકેટથી હરાવ્યું હતું. આ સાથે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમે 5 મેચની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ મેચમાં પોતાના ફોર્મમાં પરત ફર્યો હતો.
સૂર્યા ફોર્મમાં પરત ફર્યો
ભારતીય કેપ્ટને 14 મહિના અને 23 ઈનિંગ્સ પછી T20Iમાં અડધી સદી ફટકારી હતી. તેની છેલ્લી અડધી સદી (75) 12 ઓક્ટોબર, 2024ના રોજ હૈદરાબાદમાં બાંગ્લાદેશ સામે આવી હતી. ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે ત્રીજી વિકેટ માટે 48 બોલમાં 122 રનની પાર્ટનરશિપ કરી હતી. ઈશાને 32 બોલમાં 76 રન બનાવ્યા હતા.
ભારતની ખરાબ શરૂઆત
209 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી, જ્યારે તેણે 6 રનમાં બે વિકેટ ગુમાવી દીધી. સંજુ સેમસન (6) અને અભિષેક શર્મા (0) બંને ઓપનર નિષ્ફળ ગયા હતા. તે છતાં ઈશાને રન રેટ સ્થિર રાખી, તેણે મેદાનમાં આવતાની સાથે જ મોટા શોટ ફટકાર્યા અને માત્ર 21 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. ઈશાને પાવરપ્લેનો પૂરો ફાયદો ઉઠાવ્યો. મેચ પછી ભારતીય કેપ્ટને ખુલાસો કર્યો કે તે કઈ વાતને લઈને ઈશાનથી નારાજ હતો. આ સિવાય સૂર્યાએ તેના ફોર્મ અને ટીમના વાતાવરણ પણ પણ વાત કરી હતી.
'મને ગુસ્સો આવી રહ્યો હતો'
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું, "મને ખબર નથી કે ઈશાને લંચમાં શું ખાધું હતું, પરંતુ મેં ક્યારેય કોઈને છ રનમાં બે વિકેટ ગુમાવ્યા પછી પાવરપ્લેમાં 60થી વધુ રન બનાવતા નથી જોયા. અમે ઈચ્છીએ છીએ કે અમારા બેટ્સમેન મુક્તપણે રમે. મને ગુસ્સો આવી રહ્યો હતો કે તે મને પાવરપ્લેમાં સ્ટ્રાઈક નહતો આપી રહ્યો, પરંતુ હું પરિસ્થિતિને સમજવામાં સફળ રહ્યો."
'ટીમમાં ખુશીનું વાતાવરણ છે'
સૂર્યાએ વધુમાં કહ્યું, "મેં નેટ્સમાં સારી બેટિંગ કરી છે, બ્રેક લીધા અને મેચ પહેલા સારું પ્રેક્ટિસ સેશન કર્યું. જ્યારે ન્યુઝીલેન્ડનો સ્કોર બે વિકેટે 110 હતો, ત્યારે મને લાગ્યું હતું કે સ્કોર 230થી વધુ થશે, પરંતુ બધા બોલર્સે યોગદાન આપ્યું અને જવાબદારી લીધી. હું અત્યારે ખૂબ સારું અનુભવી રહ્યો છું. ટીમમાં ખુશીનું વાતાવરણ છે અને હું તેને જાળવી રાખવા માંગુ છું."

