VIDEO: IPL મેનેજમેન્ટ સામે સુનિલ ગાવસ્કરે વ્યક્ત કરી નારાજગી, કહ્યું-'ગુજરાત ટાઇટન્સ સાથે અન્યાય થયો!'
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચ પૂર્વે એક મોટો વિવાદ સામે આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ઓપનર અને કમેન્ટેટર સુનિલ ગાવસ્કરે IPL મેનેજમેન્ટ સામે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત ટાઈટન્સ (GT) ની ટીમ સાથે અન્યાય થયો છે અને આ મહા મુકાબલાને એક દિવસ માટે મુલતવી રાખવો જોઈતો હતો. ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની જીત થઈ હતી, પરંતુ GT સાથે અન્યાય થયો હતો. ગાવસ્કરના મતે, ફાઈનલ મેચને રવિવારના બદલે સોમવારે રાખેલા 'રિઝર્વ ડે' પર રમાડવી જોઈતી હતી જેથી બંને ટીમોને સમાન તક મળી શકે.
ખરેખર શું બની હતી ઘટના?
ગુજરાત ટાઈટન્સે શુક્રવારે રમાયેલી ક્વોલિફાયર-2 મેચમાં રાજસ્થાન રોયલ્સને હરાવીને ફાઈનલમાં ભવ્ય પ્રવેશ કર્યો હતો. આ મેચ બાદ ટીમને ચંદીગઢથી અમદાવાદ આવવાનું હતું. જો કે, ઉત્તર-પશ્ચિમ ભારતમાં અચાનક બદલાયેલા હવામાન અને ભારે વરસાદના કારણે શનિવારે બપોરે તેમની ચાર્ટર્ડ ફ્લાઇટ સમયસર ઉડાન નહતી ભરી શકી. લાંબા વિલંબ બાદ ગુજરાતની ટીમ શનિવારે મોડી રાત્રે લગભગ 10:45 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી અને હોટેલ પહોંચતા સુધીમાં તો અડધી રાત થઈ ગઈ હતી.
આ પ્રવાસના કારણે હાર્ડ-હીટિંગ ફાઈનલ મેચ પહેલાં ગુજરાતના ખેલાડીઓને આરામ કરવા, રિકવરી મેળવવા અને પ્રેક્ટિસ કરવા માટે 24 કલાક કરતા પણ ઓછો સમય મળ્યો હતો.
RCBને મળ્યો મોટો ફાયદો
બીજી તરફ RCBની ટીમ ક્વોલિફાયર-1માં જીત મેળવીને મંગળવારથી જ અમદાવાદમાં ડેરો જમાવીને બેઠી હતી. પરિણામે, ડિફેન્ડિંગ ચેમ્પિયન બેંગલુરુના ખેલાડીઓને ફાઈનલ મેચની પૂર્વ તૈયારી કરવા અને શારીરિક-માનસિક થાક ઉતારવા માટે પૂરા પાંચ દિવસનો પૂરતો સમય મળ્યો હતો.
ગાવસ્કરે શેડ્યૂલિંગ સામે કેમ ઉઠાવ્યા સવાલ?
એક ઇન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન સુનિલ ગાવસ્કરે IPLના આ આયોજન સામે તીખા સવાલો કરતા કહ્યું કે "આમાં કોઈ શંકા નથી કે ખેલાડીઓને પૂરતા આરામની જરૂર હોય છે. જ્યારે તમને ખબર જ ન હોય કે તમારી ફ્લાઇટ ક્યારે ટેક-ઓફ કરશે, ત્યારે ખેલાડીઓમાં એક પ્રકારની બેચેની અને ચિંતાનો માહોલ સર્જાય છે. મુસાફરીના આ વિલંબથી માત્ર શારીરિક થાક જ નથી લાગતો, પરંતુ તમે માનસિક રીતે પણ થાકેલા હોઉં છો. જ્યારે આપણી પાસે પહેલેથી જ 'રિઝર્વ ડે' નો વિકલ્પ ઉપલબ્ધ હતો, ત્યારે આવી કટોકટીની સ્થિતિમાં ફાઈનલ મેચને સોમવાર પર શિફ્ટ કરવી જોઈતી હતી, જેથી ગુજરાતની ટીમ સાથે ન્યાય થઈ શકે."
ગાવસ્કરે પ્લેઓફની મેચો અલગ-અલગ શહેરોમાં ગોઠવવાના IPLના નિર્ણયને પણ અયોગ્ય ગણાવ્યો હતો અને ભવિષ્ય માટે શેડ્યૂલિંગમાં વધુ ફલેક્સિબિલિટી રાખવાની સલાહ આપી હતી.
RCBના કેપ્ટન રજત પાટીદારે પણ વાત સ્વીકારી
ટોસ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે પણ સ્વીકાર્યું હતું કે, ક્વોલિફાયર-1 બાદ તેની ટીમને આરામ અને તૈયારી માટે ઘણો સારો સમય મળ્યો હતો, જે ચોક્કસપણે એક વધારાનો ફાયદો છે. જોકે, તેણે ઉમેર્યું કે ફાઈનલમાં બંને ટીમો મજબૂત હોવાથી રમત પર જ પરિણામનો આધાર રહેશે. આ મેચમાં બેંગલુરુએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે તે પણ ટોસ જીતત તો બેટિંગ જ પસંદ કરત.
અંતે શું આવ્યું પરિણામ?
તમામ ચર્ચાઓ અને વિવાદો વચ્ચે ફાઈનલ મેચ નિર્ધારિત શેડ્યૂલ મુજબ રવિવારે જ રમાઈ હતી. પ્રવાસના થાક સાથે મેદાનમાં ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ટીમને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ શાનદાર પ્રદર્શન કર્યું અને સતત બીજી વખત IPLની ચમકતી ટ્રોફી પોતાના નામે કરી ઈતિહાસ રચી દીધો. છતાં, ટુર્નામેન્ટ પૂરી થયા પછી પણ ગાવસ્કરની આ દલીલ ક્રિકેટ વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બનેલી છે.

