VIDEO: FIFA 2026 / પિતાને રડતાં જોઈને દીકરો પણ ન રોકી શક્યો પોતાના આંસુ, મેદાન પર જોવા મળ્યું ભાવુક દૃશ્ય
FIFA વર્લ્ડ કપ 2026માં હાર બાદ કેપ વર્ડેના ખેલાડીનો પત્ની અને પુત્રને ગળે લગાડીને રડતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ભાવુક પળે રમતથી આગળ વધીને પરિવાર અને લાગણીઓની શક્તિને દર્શાવી છે. FIFA વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ-32 મુકાબલામાં વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિનાએ 4 જુલાઈ (શનિવાર) ના રોજ કેપ વર્ડેને 3-2થી હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું છે. જો કે મેચનું પરિણામ આર્જેન્ટિનાની તરફેણમાં રહ્યું, પરંતુ મુકાબલા બાદ જે દૃશ્ય કેમેરામાં કેદ થયું, તેણે હાર-જીતથી ક્યાંય આગળ વધીને માનવીય સંવેદનાઓનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું.
ફૂટબોલરની સાથે સાથે ફેન્સ થયા ભાવૂક
મેચની અંતિમ સીટી વાગતાની સાથે જ કેપ વર્ડેના સ્ટ્રાઈકર નૂનો ડા કોસ્ટા હારનું દર્દ સહન ન કરી શક્યો, અને મેદાનના કિનારે બેસીને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો. વિશ્વ કપનું સપનું તૂટવાની નિરાશા તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. ત્યારે જ તેની પત્ની અને પુત્ર લુઈસ તેમની પાસે પહોંચ્યા. બંનેએ નૂનોને ગળે લગાડ્યો, તેના આંસુ લૂછ્યા, અને તેને સાંત્વના આપી. પરિવારનો આ સાથ જોઈને ત્યાં હાજર દર્શકો પણ ભાવુક થઈ ગયા હતા. આ પળ થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. લાખો ફૂટબોલ પ્રશંસકોએ આ વીડિયો શેર કરતા કહ્યું કે, આ માત્ર એક ખેલાડીની હાર નથી, પરંતુ તેના સંઘર્ષ, મહેનત અને સપનાઓની કહાની છે.
ઘણા લોકોએ આને FIFA વર્લ્ડ કપ 2026ની સૌથી ભાવુક પળ ગણાવી છે. ફેન્સનું કહેવું છે કે, મેદાન પર સ્કોરબોર્ડ ભલે હાર બતાવી રહ્યું હતું, પરંતુ નૂનો ડા કોસ્ટા માટે સૌથી મોટી જીત એ હતી કે, મુશ્કેલ સમયમાં તેનો પરિવાર તેની સાથે મજબૂતીથી ઉભો હતો. પત્ની અને પુત્રનો આ પ્રેમ અને ઉત્સાહ દરેકના દિલને સ્પર્શી ગયો. વિશ્વ કપમાં અવારનવાર શાનદાર ગોલ, રોમાંચક મેચ અને રેકોર્ડ્સ હેડલાઇન્સ બને છે, પરંતુ આ વખતે એક પરિવારની આ તસવીર લોકોના દિલમાં વસી ગઈ.
ઘટનાએ દુનિયાના દિલ જીતી લીધા
ભલે કેપ વર્ડેની પ્રથમ FIFA વિશ્વ કપની સફર રાઉન્ડ ઓફ-32માં સમાપ્ત થઈ ગઈ, પરંતુ અંદાજે 5.5 લાખની વસ્તી ધરાવતા આ નાના દેશે, પોતાના જુસ્સા, શાનદાર પ્રદર્શન અને સંઘર્ષથી આખી દુનિયાના દિલ જીતી લીધા. ટુર્નામેન્ટ દરમિયાન ટીમને માત્ર સામાન્ય ફૂટબોલ ફેન્સનો જ નહીં, પરંતુ ઘણા દિગ્ગજ ખેલાડીઓ અને પ્રખ્યાત હસ્તીઓનો પણ ભરપૂર સપોર્ટ મળ્યો. કેપ વર્ડે ભલે ટ્રોફીની રેસમાંથી બહાર થઈ ગયું હોય, પરંતુ તેણે પોતાના પ્રદર્શન અને ખેલદિલીથી સાબિત કરી દીધું કે, ફૂટબોલમાં માત્ર જીતનારી ટીમ જ નહીં, પણ દિલ જીતનારી ટીમ પણ હંમેશા યાદ રાખવામાં આવે છે.

