ICC રેન્કિંગમાં સ્મૃતિ મંધાનાને લાગ્યો મોટો ઝટકો, વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ છીનવાઈ ગયો નંબર-1નો તાજ

ભારતની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાને વિમેન્સ વર્લ્ડ કપ બાદ મોટો ઝટકો લાગ્યો છે. સ્મૃતિએ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઈનલમાં તેણે 45 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં સ્મૃતિએ શેફાલી વર્મા સાથે મળીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. સ્મૃતિ મંધાના વર્લ્ડ કપમાં ભારતની સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બની હતી. આમ છતાં, તેણે લેટેસ્ટ ICC ODI રેન્કિંગમાં પોતાનું નંબર 1નું સ્થાન ગુમાવ્યું છે. સ્મૃતિ વિમેન્સ ODI બેટિંગ રેન્કિંગમાં નંબર 2 પર સરકી ગઈ છે. સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડ ICC ODI બેટિંગ રેન્કિંગમાં નંબર 1 પર પહોંચી ગઈ છે.
સ્મૃતિ મંધાનાએ નંબર 1નો તાજ ગુમાવ્યો
સ્મૃતિ મંધાના લાંબા સમયથી ODI બેટિંગ રેન્કિંગમાં નંબર 1 હતી. પરંતુ હવે સ્મૃતિ 811 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે. સ્મૃતિ મંધાના વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમ પર હતી. સ્મૃતિએ 9 મેચમાં 54.25ની એવરેજથી 434 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાના ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતી હતી.
વિમેન્સ વર્લ્ડ કપ 2025માં સૌથી વધુ રન બનાવનાર સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડ ICC ODI બેટિંગ રેન્કિંગમાં નંબર 1 પર પહોંચી ગઈ છે. લૌરા વોલ્વાર્ડ 814ના રેટિંગ પોઈન્ટ સાથે પહેલા સ્થાન પર પહોંચી છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં લૌરાએ સદી પણ ફટકારી હતી. લૌરા સાઉથ આફ્રિકા માટે મેદાન પર એકલી લડતી રહી, જ્યારે અન્ય કોઈ બેટ્સમેન અડધી સદી પણ ન ફટકારી શકી.

