શેફાલી વર્માને એશિયન ગેમ્સમાં સદી ફટકારવાનું મળ્યું ઇનામ, T20 રેન્કિંગમાં લગાવી મોટી છલાંગ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વિસ્ફોટક ઓપનર બેટ્સમેન શેફાલી વર્માએ T20 રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. એશિયન ગેમ્સની મહિલા ક્રિકેટ સ્પર્ધામાં પોતાની પ્રથમ T20 સદી ફટકાર્યા બાદ શેફાલી રેન્કિંગમાં 2 સ્થાન ઉપર ચઢીને 4થા નંબર પર પહોંચી ગઈ છે. જાપાનના નિશિનમાં બાંગ્લાદેશ સામે સેમિફાઇનલમાં અણનમ 100 રનની ઇનિંગ્સ પહેલાં શેફાલીએ ક્વાર્ટર ફાઇનલમાં જાપાન સામે અણનમ 40 રનની ઇનિંગ્સ રમી હતી.
સોમવાર સુધીના પ્રદર્શનના આધારે તાજેતરમાં જાહેર કરાયેલ રેન્કિંગમાં ભારતની શ્રી ચરણી (799 રેટિંગ પોઇન્ટ) અને દીપ્તિ શર્મા બોલિંગ રેન્કિંગમાં ટોચના 2 સ્થાન પર કબ્જો છે. શ્રી ચરણી પ્રથમ અને દીપ્તિ તેનાથી 70 પોઇન્ટ પાછળ બીજા સ્થાને છે. જોકે ભારતની સ્ટાર સિનિયર ખેલાડી સ્મૃતિ મંધાના 1 સ્થાન નીચે સરકીને 6ઠ્ઠા સ્થાને આવી ગઈ છે અને કેપ્ટન હરમનપ્રીત કૌર બેટિંગ રેન્કિંગમાં 10મા સ્થાને યથાવત છે.
ભારતના અન્ય ખેલાડીઓને પણ થયો ફાયદો
ટીમના અન્ય ખેલાડીઓને પણ ઘણો ફાયદો થયો છે જેમાં ક્રાંતિ ગૌડ 15 સ્થાનના ફાયદા સાથે 57મા અને નંદની શર્મા 22 સ્થાન ઉપર ચઢીને 72મા સ્થાને પહોંચી ગઈ છે. એશિયન ગેમ્સમાં પોતાના પ્રદર્શન બાદ બંનેએ પોતાના કરિયરના સર્વશ્રેષ્ઠ રેટિંગ પોઇન્ટ (અનુક્રમે 461 અને 432) હાંસલ કર્યા છે.
શેફાલીના શાનદાર રમતથી ટીમ ઇન્ડિયાએ જીત્યો ગોલ્ડ
જણાવી દઈએ કે શેફાલી વર્મા ટીમ ઇન્ડિયા માટે સતત શાનદાર પ્રદર્શન કરતી આવી છે. એશિયન ગેમ્સમાં તેના દમદાર પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયાએ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. એશિયન ગેમ્સ 2026માં ટીમ ઇન્ડિયાએ દેશને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો. આ પહેલાં પણ શેફાલીએ ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. માત્ર તોફાની બેટિંગ જ નહીં, શેફાલીએ પોતાની બોલિંગથી પણ ટીમ ઇન્ડિયાને ઘણા પ્રસંગોએ સફળતા અપાવવાનું કામ કર્યું છે. આ જ કારણ છે કે શેફાલી હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમમાં સૌથી મહત્વની ખેલાડી બની ગઈ છે.

