સીન વિલિયમ્સને ટીમમાંથી બહાર કરાયો, નશાની લતે તેના બે દાયકાના ઈન્ટરનેશનલ કરિયરના ધજાગરા કર્યા

નશો એ કોઈ પણ વ્યક્તિનું જીવન ખરાબ કરી શકે છે, આમાંથી ક્રિકેટરો પણ બાકાત નથી. તેમને લાંબા સમય સુધી મેદાન પર રહેવા માટે એનર્જીની જરૂર હોય છે. આ જ કારણ છે કે તેઓ નશાથી દૂર રહે છે, કારણ કે તેનાથી તેમનું કરિયર જોખમમાં મૂકાઈ શકે છે, પરંતુ ઝિમ્બાબ્વેના દિગ્ગજ ક્રિકેટર સીન વિલિયમ્સને આ વાત યાદ ના રહી. કરિયરના અંતિમ પડાવમાં આવીને તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેને નશાની કૂટેવ પડી ગઈ છે. આ જ કૂટેવના કારણે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. હવે ભવિષ્યમાં તેના સિલેક્શનની શક્યતા પણ ઓછી છે.
273 મેચ રમી ચૂકેલા ઈન્ટરનેશનલ ક્રિકેટરને નશાની લત લાગી
ઝિમ્બાબ્વે માટે 273 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂકેલ સીન વિલિયમ્સને નેશનલ ટીમમાં સામેલ નહીં કરાય. તેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ રિન્યુ કરવામાં નહીં આવે. ઝિમ્બાબ્વે ક્રિકેટ (ZC) એ કહ્યું કે તેણે જણાવ્યું છે કે તેને ડ્રગ્સની લત લાગી ગઈ છે. એક નિવેદનમાં ZCએ 'શિસ્તના મુદ્દાઓ અને વારંવાર ગેરહાજરીના ઈતિહાસનો ઉલ્લેખ કર્યો, જેણે ટીમની તૈયારીઓ અને પ્રદર્શનને અસર કરી છે.'
39 વર્ષીયસીન વિલિયમ્સે 20 વર્ષથી વધુના ઈન્ટરનેશનલ કરિયરમાં ઝિમ્બાબ્વે માટે તમામ ફોર્મેટમાં 273 મેચ રમી છે, પરંતુ ઝિમ્બાબ્વે ક્રિકેટે પુષ્ટિ કરી છે કે, 2025 પછી તેનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં નહીં આવે. વિલિયમ્સે તાજેતરમાં વ્યક્તિગત કારણોનો હવાલો આપીને મેન્સ T20 વર્લ્ડ કપ આફ્રિકા ક્વોલિફાયરની પૂર્વસંધ્યાએ ઝિમ્બાબ્વે ટીમમાંથી નામ પાછું ખેંચી લીધુ હતું.
મંગળવાર 4 નવેમ્બરના રોજ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે ખુલાસો કર્યો કે, અમે તેની ગેરહાજરીનું કારણ જાણવા માટે એક આંતરિક તપાસ કરી હતી, ત્યારબાદ વિલિયમ્સે બોર્ડને જણાવ્યું હતું કે, 'હું ડ્રગ્સની લતથી પીડાઈ રહ્યો છું અને સ્વેચ્છાએ પુનર્વસન કેન્દ્રમાં દાખલ થયો છું.'
તમામ ફોર્મેટમાં 8,000થી વધુ રન બનાવ્યા
2005માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા બાદ વિલિયમ્સે ઝિમ્બાબ્વે માટે તમામ ફોર્મેટમાં 8,000થી વધુ રન બનાવ્યા છે. વનડેમાં તેનું પ્રદર્શન સૌથી વધુ રહ્યુ, તેણે 37.53ની એવરેજથી 5217 રન બનાવ્યા છે, જેમાં 8 સદી અને 37 અડધી સદી સામેલ છે. આ વર્ષની શરૂઆતમાં તેણે જેમ્સ એન્ડરસનને પાછળ છોડ્યો અને તે સૌથી લાંબા સમય સુધી એક્ટિવ ઈન્ટરનેશનલ ક્રિકેટર બન્યો છે.

