Happy Birthday Virat Kohli: 'રન મશીન' વિરાટ કોહલીના 10 રેકોર્ડ, જેને તોડવા છે મુશ્કેલ

વિરાટ કોહલી માત્ર એક નામ નથી પણ બ્રાન્ડ છે. કિંગ કોહલીએ પોતાની ક્રિકેટ કરિયરમાં જે સિદ્ધિ મેળવી છે તે દરેક કોઇ માટે શક્ય નથી. 'રન મશીન'ના નામથી જાણીતા વિરાટ કોહલીએ ક્રિકેટના મેદાનમાં પોતાના બેટનો જાદૂ બતાવતા તમામ મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. 5 નવેમ્બરે વિરાટ કોહલી 37 વર્ષનો થયો છે. વિરાટ કોહલીના જન્મદિવસે 10 એવા રેકોર્ડ્સ વિશે જાણીયે જે દેશ જ નહીં પણ દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોની યાદીમાં સામેલ છે.
વિરાટ કોહલીના TOP 10 રેકોર્ડ્સ
વન ડે ક્રિકેટમાં સૌથી વધુ સદી (51 સદી)
વિરાટ કોહલીએ 2023માં મહાન સચિન તેંડુલકરના 49 સદીના રેકોર્ડને તોડતા 51મી સદી ફટકારી હતી. કોઇ પણ ખેલાડી આ આંકડાની નજીક નથી, જેને કારણે આ રેકોર્ડ તોડવો મુશ્કેલ છે.
10,000 રન બનાવનારા બેટ્સમેનમાં સૌથી વધુ એવરેજ
વિરાટ કોહલીની વન ડેમાં 10 હજાર રન બનાવનારા બેટ્સમેનોમાં સૌથી વધુ એવરેજ (59.47) છે. સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ, કુમાર સંગાકારા અને સનથ જયસૂર્યા જેવા દિગ્ગજ ક્રિકેટરો કરતા વધારે છે.
ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોમાં સૌથી વધુ ડબલ સેન્ચુરી (7)
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 7 વખત બેવડી સદી ફટકારી છે. આ રેકોર્ડ કોઇ ભારતીય ક્રિકેટર કરતા વધારે છે. વિરાટ કોહલી પહેલા સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ અને રાહુલ દ્રવિડ જેવા બેટ્સમેન 6 ડબલ સેન્ચુરી સુધી પહોંચી શક્યા છે.
IPLની એક સિઝનમાં સૌથી વધુ રન (973 રન)
2016ની IPL સિઝન વિરાટ કોહલીના નામે રહી હતી. તે વર્ષે વિરાટ કોહલીએ 17 મેચમાં 973 રન ફટકાર્યા હતા. આ દરમિયાન 4 સદી પણ ફટકારી હતી જે IPL ઇતિહાસનો સૌથી મોટો વ્યક્તિગત સિઝન સ્કોર છે.
એક ભારતીયના રૂપમાં સૌથી વધુ ICC ટેસ્ટ રેટિંગ પોઇન્ટ્સ (937)
ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીને 2018માં 937 રેટિંગ પોઇન્ટ્સ મળ્યા હતા, જે કોઇ પણ ભારતીય બેટ્સમેનને મળેલા અત્યાર સુધીના સૌથી વધુ પોઇન્ટ્સ છે.
વિદેશમાં સૌથી વધુ સદી (એક સિરીઝમાં 4 સદી)
વિરાટ કોહલીએ 2014માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 4 સદી ફટકારી હતી.જોકે, તે બાદ 2025 એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં શુભમન ગિલે તેના રેકોર્ડની બરાબરી કરી હતી.
સતત સૌથી વધુ ટેસ્ટ સિરીઝ કેપ્ટન તરીકે જીતવી (9 સિરીઝ)
વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતે સતત 9 ટેસ્ટ સિરીઝ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો, જે રિકી પોન્ટિંગના રેકોર્ડની બરાબર હતો.
વન ડેમાં સૌથી ઝડપી 10,000 રન (205 ઇનિંગ્સમાં)
વિરાટ કોહલીએ માત્ર 205 ઇનિંગ્સમાં 10,000 રન પૂર્ણ કર્યા હતા. તે આ માઇલસ્ટોન પાર કરનાર સૌથી ઝડપી બેટ્સમેન છે.
ત્રણેય ફોર્મટમાં 27000+ ઇન્ટરનેશનલ રન (594 ઇનિંગ્સમાં)
594 ઇનિંગ્સમાં ત્રણેય ફોર્મેટ મળીને 27 હજાર આંતરરાષ્ટ્રીય રન બનાવવાની સિદ્ધિ પણ વિરાટ કોહલીએ મેળવી છે.
વિદેશી ધરતી પર ભારતનો સૌથી સફળ કેપ્ટન
વિરાટ કોહલીએ પોતાની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા જેવી ધરતી પર ટેસ્ટમાં ટીમને જીત અપાવી છે. ઓસ્ટ્રેલિયામાં 2018-19ની ઐતિહાસિક સિરીઝ જીત આજે પણ લોકોને યાદ છે.
BCCIએ ખાસ અંદાજમાં વિરાટ કોહલીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
વિરાટ કોહલીના જન્મદિવસ પર BCCIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કોહલીની તસવીર શેર કરતા પોસ્ટમાં લખ્યુ કે, 'ICC મેન્સ વન ડે વર્લ્ડકપ 2011, ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2013 અને 2025 તથા ICC મેન્સ ટી-20 વર્લ્ડકપ 2024નો વિજેતા, ટીમ ઇન્ડિયાનો મહાન ખેલાડી અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. BCCIએ વિરાટ કોહલીના આંતરરાષ્ટ્રીય કરિયરના આંકડા પણ શેર કર્યા છે- કૂલ મેચ:553, કૂલ રન:27,673,સદી-82

