અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝ પહેલા ભારતીય ટીમને લાગ્યો વધુ એક ઝટકો, રોહિત શર્મા પર પણ છે બહાર થઈ જવાનું જોખમ

અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝ શરૂ થાય તે પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી ઈજાના કારણે આ સિરીઝમાંથી પહેલા જ બહાર થઈ ચૂક્યો છે અને હવે તેના સાથી અને દિગ્ગજ ઓપનર રોહિત શર્માને લઈને પણ માઠા સમાચાર સામે આવ્યા છે. કોહલી બાદ હવે રોહિત શર્માની ફિટનેસ પર પણ ગંભીર આશંકા મંડરાઈ રહી છે. આગામી 13 જૂનથી શરૂ થઈ રહેલી 3 મેચોની આ ODI સિરીઝના બરાબર પહેલા જ બંને સિનિયર ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતાં ભારતીય બેટિંગ લાઇન-અપ સંપૂર્ણપણે બેકફૂટ પર ધકેલાઈ શકે છે.
રોહિત શર્મા પર પણ ખતરો
39 વર્ષીય રોહિત શર્મા હાલમાં માત્ર ODI ફોર્મેટમાં જ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે વર્ષ 2024માં T20 અને ગત વર્ષે મે મહિનામાં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે. તાજેતરમાં જ પૂરી થયેલી IPL દરમિયાન સ્નાયુઓમાં ખેંચાણ (મસલ સ્ટ્રેઇન) ની સમસ્યાના કારણે રોહિત કેટલીક મેચોમાંથી બહાર રહ્યો હતો. જોકે, અફઘાનિસ્તાન સિરીઝ માટે જાહેર કરાયેલી સ્ક્વોડમાં તેનો સમાવેશ તો કરવામાં આવ્યો છે, પરંતુ BCCIના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેદાન પર તેનું ઉતરવું સંપૂર્ણપણે ફિટનેસ ટેસ્ટ પાસ કરવા પર જ નિર્ભર રહેશે. આ વર્ષે IPLની 9 મેચોમાં તેણે 35.37ની એવરેજથી 283 રન બનાવ્યા છે, જેમાં બે અડધી સદી સામેલ છે.
ODIમાં કમાલનું છે પ્રદર્શન
જોવામાં આવે તો ODI ફોર્મેટમાં રોહિત શર્માનો તાજેતરનો રેકોર્ડ ખૂબ જ દમદાર રહ્યો છે. ગત વર્ષે તેણે 14 મેચોમાં 50ની શાનદાર એવરેજથી 650 રન બનાવ્યા હતા અને માર્ચ 2025માં ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, આ વર્ષે ન્યુઝીલેન્ડ સામે રમાયેલી છેલ્લી ODI સિરીઝમાં તેનું પ્રદર્શન કંઈ ખાસ નહતું રહ્યું અને તે ત્રણ ઈનિંગ્સમાં માત્ર 61 રન જ બનાવી શક્યો હતો. આવી સ્થિતિમાં વર્લ્ડ કપ 2027ની લાંબી તૈયારીઓના દૃષ્ટિકોણથી રોહિત શર્માનું સંપૂર્ણ રીતે ફિટ હોવું ટીમ ઇન્ડિયા માટે અત્યંત જરૂરી છે.
વિરાટ કોહલી પણ થઈ ચૂક્યો છે બહાર
બીજી તરફ વિરાટ કોહલીની ઈજાએ ટીમ મેનેજમેન્ટનું ટેન્શન વધારી દીધું છે. IPL ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ સામે RCBને ચેમ્પિયન બનાવવા માટે 42 બોલમાં 75 રનની અણનમ મેચ વિનિંગ ઈનિંગ રમતી વખતે વિરાટને દોડવામાં ઘણી તકલીફ પડી રહી હતી. 37 વર્ષીય કોહલી પણ હવે રોહિત શર્માની જેમ માત્ર ODI ક્રિકેટ જ રમે છે. ODI ઈતિહાસના આ મહાનતમ બેટ્સમેને 299 ઈનિંગ્સમાં રેકોર્ડ 54 સદી સાથે 14,797 રન બનાવ્યા છે. ગત વર્ષથી લઈને અત્યાર સુધી તે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, જ્યાં તેણે 16 મેચોમાં 68.53ની શાનદાર એવરેજથી 891 રન ફટકાર્યા છે.

