IPL 2027 / રિષભ પંતની થશે ઘર વાપસી, આટલા કરોડના નુકસાન સાથે દિલ્હી કેપિટલ્સમાં પરત ફરશે

IPL 2027 પહેલાના પ્રથમ મોટાટ્રેડમાં વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત તેની ભૂતપૂર્વ ટીમ, દિલ્હી કેપિટલ્સમાં પાછો ફરે તેવી શક્યતા છે. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) બદલામાં સ્પિનર કુલદીપ યાદવને મેળવી શકે છે.
IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી પંતને LSG દ્વારા 2025 મેગા ઓક્શનમાં 27 કરોડ રૂપિયામાં સાઈન કરવામાં આવ્યો હતો અને હવે અહેવાલો અનુસાર તે દિલ્હી કેપિટલ્સમાં 15 કરોડ રૂપિયામાં જોડાઈ શકે છે. બંને ફ્રેન્ચાઈઝી ડીલની ઔપચારિકતાઓને અંતિમ સ્વરૂપ આપી રહી છે. ત્યારબાદ આ ટ્રેડને BCCIની મંજૂરીની રાહ હશે. જો આ ટ્રેડ ડીલ સફળ રહી તો રિષભ પંત 12 કરોડ રૂપિયાના નુકસાન સાથે દિલ્હી કેપિટલ્સમાં પરત ફરશે.
રિષભ પંતે કેપ્ટનશિપ છોડી દીધી હતી
IPL 2026ની ફાઈનલના બે દિવસ પહેલા, પંતે LSG મેનેજમેન્ટને કેપ્ટનશિપ છોડવાની તેની ઈચ્છાની જાણ કરી હતી. LSG પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહ્યું હતું. ટીમની છેલ્લી મેચ પછી ડિરેક્ટર ટોમ મૂડીએ સંકેત આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ફ્રેન્ચાઈઝી નેતૃત્વ પરિવર્તન સાથે નવી શરૂઆત ઈચ્છે છે.
LSG 2024 અને 2025માં સાતમા સ્થાને રહ્યું હતું અને 2026માં સૌથી નીચે રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી કેપિટલ્સ અને એકથી વધુ વખત IPL ટાઈટલ જીતનાર બીજી ટીમ સહિત બે ફ્રેન્ચાઈઝી દ્વારા પંતનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, પંતની પહેલી પસંદગી દિલ્હી કેપિટલ્સ હોવાનું માનવામાં આવે છે, જ્યાંથી તેણે પોતાની IPL કારકિર્દીની શરૂઆત કરી હતી.
યુવરાજ સિંહ દિલ્હી કેપિટલ્સનો બેટિંગ કોચ બનશે
ભૂતપૂર્વ ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ 2027 સિઝનથી દિલ્હી કેપિટલ્સ સાથે તેના બેટિંગ કોચ તરીકે જોડાવા માટે તૈયાર છે. IPLના સૂત્રોએ શુક્રવારે આ જાહેરાત કરી હતી. 2007 T20 વર્લ્ડ કપ જીતનાર અને 2011 ODI વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહેલા યુવરાજે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલ અને વિશ્વના નંબર-1 T20 બેટ્સમેન અભિષેક શર્માના વ્યક્તિગત મેન્ટર તરીકે સેવા આપી છે.
ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા રિષભ પંતે પણ યુવરાજ પાસેથી સલાહ માંગી છે. દિલ્હી કેપિટલ્સ સાથે IPLમાં યુવરાજનો આ પહેલો કોચિંગ કાર્યકાળ હશે. યુવરાજે 2019માં મુંબઈ ઈન્ડિયન્સ માટે છેલ્લી IPL મેચ રમી હતી.

