VIDEO: દોહા ડાયમંડ લીગમાં ચમક્યો નીરજ ચોપરા, બીજા થ્રો સાથે કોમનવેલ્થ ગેમ્સ 2026 માટે થયો ક્વોલિફાય
ભારતીય સ્ટાર જેવલિન થ્રોઅર અને બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયા બાદ વાપસી કરી છે. નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગમાં પોતાના બીજા થ્રોમાં 82.77 મીટરનો થ્રો કરીને આગામી કોમનવેલ્થ ગેમ્સ 2026માં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું, જેના માટે ક્વોલિફિકેશન માર્ક 82.61 મીટર હતો. નીરજે આ ઈવેન્ટમાં પોતાનો પહેલો થ્રો ફાઉલ કર્યો હતો, પરંતુ બીજા થ્રોમાં જબરદસ્ત વાપસી કરવામાં સફળ રહ્યો હતો.
બીજા થ્રોમાં તેના જૂના ફોર્મની ઝલક દેખાઈ
પીઠની ઈજાને કારણે નીરજ ચોપરા લગભગ એક વર્ષથી કોઈપણ ઈવેન્ટથી દૂર હતો. આ ઈજામાંથી સ્વસ્થ થયા પછી, તે 25 મેથી સ્વિટ્ઝર્લેન્ડમાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો. નીરજ ચોપરાએ છેલ્લી ઘડીએ દોહા ડાયમંડ લીગમાં ભાગ લેવાનો નિર્ણય લીધો, જેના પર બધાની નજર મંડાયેલી હતી. આ ઈવેન્ટમાં નીરજની શરૂઆત સારી નહતી, તેનો પહેલો થ્રો ફાઉલ થયો હતો. ત્યારબાદ, તેણે પોતાના બીજા થ્રોમાં પોતાની પ્રતિભા દર્શાવી, 82.77 મીટરના થ્રો સાથે કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાય થયો. નીરજની ખરી પ્રતિભા તેના ત્રીજા થ્રોમાં આવી, જે 85.69 મીટરનો હતો.
ચોથા થ્રોમાં ન જોવા મળી કમાલ, પાંચમો થ્રો ફાઉલ થયો
કોમનવેલ્થ ગેમ્સ 2026 માટે ક્વોલિફાય થયા પછી, નીરજ ચોપરા તેના છેલ્લા ત્રણ થ્રોમાં સાવધાનીપૂર્વક રમ્યો. તેનો ચોથો થ્રો 83.45 મીટર હતો, જ્યારે તેનો પાંચમો થ્રો ફાઉલ હતો. દરમિયાન, શ્રીલંકાના રોમેશ પથિરંગા, જે આ સિઝનમાં ઉત્તમ ફોર્મમાં છે, તેણે 88.68 મીટરના ચોથા થ્રો સાથે લીડ મેળવી. આ પછી, નીરજ પાંચમા રાઉન્ડના અંતે ચોથા સ્થાને રહ્યો, જેનાથી દોહા ડાયમંડ લીગમાં તેની સફરનો અંત આવ્યો. નીરજને તાજેતરમાં એશિયન ગેમ્સ માટે જાહેર કરાયેલી એથ્લીટ ટીમમાં પણ સ્થાન મળ્યું છે, જેના કારણે બધાની નજર તેની ફિટનેસ પર હતી અને હવે દોહા ડાયમંડ લીગમાં તેણે જે રીતે પ્રદર્શન કર્યું છે તે પછી, દરેક વ્યક્તિ અપેક્ષા રાખી રહી છે કે તે ટૂંક સમયમાં તેના જૂના ફોર્મમાં પાછો ફરશે.

