IND vs AFG / બેટ્સમેન કે બોલર ચેન્નાઈમાં કોનો રહેશે દબદબો? જાણો ત્રીજી ODI માટે કેવી હશે ચેપોકની પિચ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ શનિવાર, 20 જૂને ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે રમાશે. મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે, ટોસ બપોરે 1:00 વાગ્યે થશે. ભારતે શરૂઆતની બંને મેચ જીતી છે અને સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી છે. હવે, કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં, ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાનને 3-0થી વ્હાઇટવોશ કરવાનું લક્ષ્ય રાખશે. બીજી તરફ, મુલાકાતી ટીમ ભારત સામે તેની પ્રથમ ODI જીત માટે પ્રયત્નશીલ રહેશે.
ચેપોકની પિચ કેવી રહેશે?
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ મેચ ચેપોક સ્ટેડિયમની પિચ નંબર 4 પર રમાશે, જે લાલ માટીથી બનેલી છે. આ પ્રકારની પિચ સામાન્ય રીતે સારો ઉછાળો આપે છે, જેનાથી બોલ બેટ પર સારી રીતે આવી શકે છે અને બેટ્સમેનોને રન બનાવવાનું સરળ બને છે. જોકે બે દિવસ પહેલા ચેન્નાઈમાં વરસાદ પડ્યો હતો, પરંતુ હવે હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ છે. આજની મેચ તડકા અને ભેજવાળી રહેવાની અપેક્ષા છે, જે ખરેખર ખેલાડીઓની ફિટનેસની કસોટી કરશે.
ચેપક સ્ટેડિયમ ODI આંકડા
ચેપોક સ્ટેડિયમ ખાતે અત્યાર સુધીમાં કુલ 28 ODI રમાઈ છે. આમાંથી, પહેલા બેટિંગ કરનારી ટીમ 15 જીતી છે, જ્યારે ટાર્ગેટ ચેઝ કરનારી ટીમ 12માં સફળ રહી છે. આ મેદાન પર ટોસ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, કારણ કે ટોસ જીતનાર ટીમે 17 મેચ જીતી છે. આ મેદાન પર સૌથી મોટો કુલ સ્કોર 337/7 છે, અને સૌથી ઓછો 69 છે. આ મેચમાં ટીમો કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું બાકી છે.
હેડ-ટુ-હેડ રેકોર્ડમાં ટીમ ઈન્ડિયાનું પલડું ભારે
ODI ઈતિહાસમાં, ભારત અને અફઘાનિસ્તાન કુલ છ વખત એકબીજા સામે ટકરાયા છે. આમાંથી પાંચ મેચમાં ટીમ ઈન્ડિયાએ એકતરફી જીત મેળવીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે, જ્યારે બંને ટીમો વચ્ચેની એક મેચ ટાઈમાં સમાપ્ત થઈ હતી. અફઘાનિસ્તાન હજુ પણ ભારત સામેની તેની પ્રથમ ODI જીતની રાહ જોઈ રહ્યું છે.

