WPL 2026 / સિઝન શરૂ થતા પહેલા જ RCBને ઝટકો લાગ્યો, શરૂઆતની કેટલીક મેચ મિસ કરશે આ ખેલાડી

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ની ચોથી સિઝન 9 જાન્યુઆરીથી શરૂ થશે, જેની અંતિમ મેચ 5 ફેબ્રુઆરીએ રમાશે. આ ટુર્નામેન્ટ તમામ ખેલાડીઓ માટે મહત્ત્વપૂર્ણ રહેશે, કારણ કે આ ટુર્નામેન્ટ દ્વારા તેઓ જૂનમાં વિમેન્સ T20 વર્લ્ડ કપની તૈયારી કરી શકશે. ટુર્નામેન્ટની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. મેગા ઓક્શન બાદ બધી ટીમોમાં ઘણા મોટા ફેરફારો જોવા મળશે, જેમાં ફાસ્ટ બોલર પૂજા વસ્ત્રાકરનો પણ સમાવેશ થાય છે, જે ફિટનેસના કારણે પ્રથમ કેટલીક મેચોમાં મિસ કરશે.
RCBના હેડ કોચે પૂજા વિશે અપડેટ આપ્યું
પૂજા વસ્ત્રાકર WPL 2026 માટે RCBની ટીમનો ભાગ છે, પરંતુ તે હાલમાં બેંગલુરુમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે પોતાની ફિટનેસ પર કામ કરી રહી છે. પૂજા અંગે RCBના હેડ કોચ માલોલન રંગરાજને મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ પહેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "કમનસીબે તેના રિહેબ પ્રોગ્રામમાં થોડી સમસ્યા સામે આવી હતી. ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં તેને COEમાંથી રજા આપવામાં આવનાર હતી. તે ખભાની ઈજાને કારણે રિહેબ માટે ત્યાં ગઈ હતી. કમનસીબે, મને લાગે છે કે તેને પાછા ફરવામાં થોડા વધુ અઠવાડિયા લાગશે. હાલમાં અમારી પાસે જે માહિતી છે તેના આધારે તે આગામી થોડા અઠવાડિયામાં અમારી સાથે જોડાઈ શકે છે. જોકે, તે હેમસ્ટ્રિંગની સમસ્યા છે, તેથી તેમાં અઠવાડિયા દર અઠવાડિયે સુધારો થશે. પરંતુ અમને આશા છે કે તે ટૂંક સમયમાં અમારી સાથે જોડાશે."
RCB અને MIનો હેડ-ટુ-હેડ રેકોર્ડ
WPLના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમો વચ્ચેનો હેડ-ટુ-હેડ રેકોર્ડ વિશે વાત કરીએ તો હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની MIની ટીમ આગળ છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 7 મેચ રમાઈ છે, જેમાંથી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 4 મેચ જીતવામાં સફળ રહી છે, જ્યારે RCB મહિલા ટીમે 3 મેચ જીતી છે.

