VIDEO: RCBએ કરોડોમાં રિટેન કર્યા, પરંતુ IPL 2026માં હજુ સુધી સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે આ ખેલાડીઓ
IPL 2026માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે મળેલી 9 રનની હારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ને વિચારતી કરી દીધી છે. જોકે ટીમ પોઈન્ટ ટેબલમાં હજુ મજબૂત સ્થિતિમાં છે, પરંતુ બે મુખ્ય ખેલાડીઓ જિતેશ શર્મા અને રોમારિયો શેફર્ડનું કથળતું ફોર્મ હવે હારનું મુખ્ય કારણ બની રહ્યું છે.
જિતેશ શર્મા 11 કરોડ રૂપિયાનું રોકાણ પણ પ્રદર્શન શૂન્ય
RCB એ જિતેશ શર્માને 11 કરોડ રૂપિયાની જંગી રકમ સાથે રિટેન કર્યો હતો, પરંતુ આ સીઝન તેના માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછી નથી. 10 મેચની 8 ઇનિંગ્સમાં માત્ર 64 રન જ બનાવ્યા છે. સ્ટ્રાઈક રેટ માત્ર 108.47, જે ટી-20 ફોર્મેટમાં ખૂબ જ ઓછો મનાય છે. ગયા વર્ષે જિતેશે 15 મેચમાં 176.35 ના વિસ્ફોટક સ્ટ્રાઈક રેટથી 261 રન બનાવ્યા હતા. લખનૌ સામેની મહત્ત્વની મેચમાં પણ જિતેશ માત્ર 1 રન બનાવી આઉટ થઈ ગયો હતો. જેના કારણે મિડલ ઓર્ડર સંપૂર્ણપણે દબાણમાં આવી ગયો હતો.
રોમારિયો શેફર્ડ ઓલરાઉન્ડ દેખાવમાં નિષ્ફળ
વિસ્ફોટક બેટિંગ અને ડેથ ઓવર્સમાં રન રોકવા માટે જાણીતા રોમારિયો શેફર્ડને RCB એ 1.50 કરોડમાં પોતાની સાથે રાખ્યો હતો. જોકે, આ સિઝનમાં તેનો જાદુ ચાલ્યો નથી. 10 મેચમાં માત્ર 79 રન (સ્ટ્રાઈક રેટ 143.64). 10 મેચમાં માત્ર 5 વિકેટ અને ઈકોનોમી રેટ 12.94 જેટલો ઊંચો રહ્યો છે. લખનૌ સામે શેફર્ડે 15 બોલમાં અણનમ 23 રન બનાવ્યા હોવા છતાં, તે ટીમને જીત સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યો હતો.
શું હવે પ્લેઈંગ ઈલેવનમાંથી પત્તું કપાશે?
સતત બે હાર બાદ હવે પ્રશ્ન એ ઉભો થયો છે કે શું RCB મેનેજમેન્ટ આ બંને ખેલાડીઓને પડતા મુકશે? ટીમને મિડલ ઓર્ડરમાં ઝડપી રન બનાવનાર ખેલાડીની જરૂર છે, જે જીતેશ પૂરી કરી શકતો નથી. જો જિતેશ અને શેફર્ડ આગામી મેચોમાં ફોર્મ પરત નહીં મેળવે, તો બેન્ચ પર બેઠેલા અન્ય ખેલાડીઓને તક મળી શકે છે. RCB માટે પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે આ બંને ખેલાડીઓએ પોતાની કિંમત મુજબ પ્રદર્શન કરવું અનિવાર્ય છે. જો ફોર્મમાં સુધારો નહીં થાય, તો RCBનું આઈપીએલ જીતવાનું સપનું ફરી એકવાર અધૂરું રહી શકે છે.

