MI vs RCB / છેલ્લા બોલ પર બેંગલુરુની સ્ટાર ખેલાડીએ મુંબઈને આપી માત, 3 વિકેટથી જીતી પહેલી મેચ

વિમેન્સ પ્રીમિયર લીગ 2026ની પહેલી મેચ 9 જાન્યુઆરીએ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં RCBએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 154 રન બનાવ્યા હતા. મુંબઈની કેપ્ટન હરમનપ્રીત કૌર મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી, જ્યારે RCBની કેપ્ટન સ્મૃતિ મંધાના પણ નિષ્ફળ રહી હતી. ત્યારબાદ RCB માટે નાદીન ડી ક્લર્કે શાનદાર અડધી સદી ફટકારી, જેનાથી ટીમને છેલ્લા બોલ પર જીત મળી.
નિકોલા કેરી અને સજીવન સજનાએ મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી
મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી નહતી રહી. ઓપનર અમેલિયા કેર 15 બોલનો સામનો કરીને 4 રન બનાવીને આઉટ થઈ ગઈ. ગુનાલન કમલિનીએ પણ 28 બોલમાં માત્ર 32 રન બનાવ્યા હતા. ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલી નેટ સાઈવર બ્રન્ટે 3 બોલમાં 4 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે 17 બોલમાં 20 રન બનાવ્યા હતા. જોકે, લોઅર મિડલ ઓર્ડરમાં સજીવન સજનાએ 25 બોલમાં 45 રન અને નિકોલા કેરીએ 29 બોલમાં 40 રન બનાવ્યા હતા. તેમની મહત્ત્વપૂર્ણ ઈનિંગને કારણે મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. RCB માટે નાદીન ડી ક્લર્કે શાનદાર બોલિંગ કરી, તેણે 4 ઓવરમાં 26 રન આપીને 4 વિકેટ લીધી હતી.
RCB છેલ્લા બોલ પર જીત મેળવી
ટાર્ગેટ ચેઝ કરતા RCBની શરૂઆત એવરેજ રહી હતી. ઓપનર ગ્રેસ હેરિસ અને સ્મૃતિ મંધાનાએ પ્રથમ વિકેટ માટે 40 રન ઉમેર્યા હતા. હેરિસે 12 બોલમાં 25 રન બનાવ્યા, જ્યારે મંધાનાએ 13 બોલમાં 18 રન બનાવ્યા હતા. આ પછી ત્રીજા નંબર પર બેટિંગ કરી રહેલા દયાલન હેમલતા પણ કંઈ ખાસ ન કરી શકી, તેણે 4 બોલમાં 6 રન બનાવ્યા હતા. ત્યારબાદ RCB માટે નાદીન ડી ક્લર્કે 44 બોલમાં 63 રનની શાનદાર ઈનિંગ રમી. છેલ્લી ઓવરમાં જીત માટે 18 રનની જરૂર હતી, ત્યારે નાદીન ડી ક્લાર્કે RCBને 3 વિકેટથી જીત અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જ્યારે ટીમને 1 બોલમાં 2 રનની જરૂર હતી, ત્યારે તેણે ચોગ્ગો ફટકાર્યો, જેનાથી ટીમને જીત મળી.

