પાકિસ્તાની સિલેક્ટર આકિબ જાવેદે ભારતીય ક્રિકેટના કર્યા ભરપેટ વખાણ, કહ્યું- 'સફળતાના પાઠ શીખી રહ્યો છું'

વ્હાઈટ બોલ ક્રિકેટમાં ભારતીય ટીમના અભૂતપૂર્વ દબદબા અને તાજેતરમાં મેળવેલી શ્રેણીબદ્ધ જીતે વિશ્વભરના ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. T20 વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપ જેવા મોટા ટાઈટલ્સ જીતીને ભારતે જે 'વિક્ટરી મોડલ' તૈયાર કર્યું છે, તે હવે પાકિસ્તાન માટે શીખનું કેન્દ્ર બન્યું છે. પાકિસ્તાન ક્રિકેટમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે સિનિયર સિલેક્ટર આકિબ જાવેદે નિખાલસપણે સ્વીકાર્યું છે કે પાકિસ્તાની ક્રિકેટના પુનરુત્થાન માટે તેઓ હવે ભારતીય ક્રિકેટના પાયાના માળખા અને રણનીતિનો અભ્યાસ કરી રહ્યા છે.
'ભારત પાસેથી શીખી રહ્યો છું સફળતાના પાઠ'
એક પોડકાસ્ટમાં પૂર્વ ફાસ્ટ બોલર આકિબ જાવેદે ખુલાસો કર્યો કે, "મેં ભારતની સફળતાને ખૂબ નજીકથી જોઈ છે અને તે જ યોજનાઓ પાકિસ્તાનમાં લાગુ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. કોઈપણ દેશની સફળતા તેના ખેલાડીઓની પ્રતિભા પર આધારિત હોય છે." તેણે વર્ષ 2006નો કિસ્સો યાદ કરતા કહ્યું કે, "જ્યારે ભારતની ટીમ પાકિસ્તાન આવી હતી ત્યારે ભારતીય અધિકારીઓએ લાહોરના ગ્રાઉન્ડ અને એકેડમીની સુવિધાઓ જોવામાં રસ દાખવ્યો હતો, જે તે સમયે શ્રેષ્ઠ માનવામાં આવતી હતી."
પાકિસ્તાન ક્યાં પાછળ રહી ગયું?
આકિબ જાવેદના મતે, પાકિસ્તાન ક્રિકેટ હાલમાં ખેલાડીઓમાં વ્યાપક અસંતોષ અને સિલેક્ટરમાં પ્રવર્તતી મૂંઝવણની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. તેણે નિખાલસતાથી સ્વીકાર્યું છે કે પાકિસ્તાની ક્રિકેટ સિસ્ટમ પોતાની પાયાની બાબતો સુધારવામાં ઘણી પાછળ રહી ગઈ છે. તેના મતે, જ્યાં સુધી ટીમની 'બેન્ચ સ્ટ્રેન્થ' મજબૂત ન હોય ત્યાં સુધી માત્ર કોચ કે કેપ્ટન બદલવાથી કોઈ સકારાત્મક પરિણામ ન મળી શકે. ટીમમાં સ્પર્ધા વધારવા અને ખેલાડીઓની પ્રતિભા નિખારવા માટે દેશમાં યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મજબૂત સિસ્ટમ હોવી અત્યંત અનિવાર્ય છે.
આગામી T20 વર્લ્ડ કપ માટે આશાનું કિરણ
આગામી વર્ષે ભારત અને શ્રીલંકામાં યોજાનારા T20 વર્લ્ડ કપ અંગે આકિબે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે, "પાકિસ્તાન માટે સૌથી મોટો ફાયદો એ છે કે તેની મેચો શ્રીલંકામાં રમાશે. જો આ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા કે સાઉથ આફ્રિકામાં હોત તો સ્થિતિ અલગ હોત, પરંતુ એશિયાઈ કન્ડિશનમાં પાકિસ્તાન પાસે વૈશ્વિક સ્તરે છાપ છોડવાની સુવર્ણ તક છે."
માનસિક મજબૂતી પર ભાર
આજના સમયમાં સોશિયલ મીડિયા અને સતત દેખરેખને કારણે ખેલાડીઓ દબાણમાં રહે છે. આકિબે કહ્યું કે, "આજકાલ ટેલેન્ટનો અર્થ માત્ર રમત નથી, પણ માનસિક મજબૂતી પણ છે. ટીકાઓ તો માત્ર ખરાબ પ્રદર્શન પછી આવતો એક ઝટકો છે, તેનાથી વિચલિત થવાની જરૂર નથી." તેણે દાવો કર્યો કે પાકિસ્તાન ડોમેસ્ટિક ક્રિકેટમાંથી 3-4 એવા ખેલાડીઓ તૈયાર છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે તરખાટ મચાવી શકે છે.

