VIDEO / DPL 2025માં થયો હાઈ વોલ્ટેજ ડ્રામા, મેદાનની વચ્ચે બાખડ્યા નીતીશ રાણા અને દિગ્વેશ રાઠી

દિલ્હી પ્રીમિયર લીગ (DPL) 2025નો રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો છે. જ્યાં એલિમિનેટર મેચમાં, વેસ્ટ દિલ્હી લાયન્સે સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સને 7 વિકેટથી હરાવ્યું. આ મેચમાં, કેપ્ટન નીતીશ રાણા વેસ્ટ દિલ્હી લાયન્સ ટીમ માટે સૌથી મોટો હીરો બન્યો અને તેણે જોરદાર સદી ફટકારીને પોતાની ટીમને જીત અપાવી. પરંતુ મેચ દરમિયાન, તેના અને બોલર દિગ્વેશ રાઠી વચ્ચે બબાલ થઈ ગઈ હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો છે.
દિગ્વેશ અને નીતીશ મેદાન પર બાખડ્યા
આ વીડિયોમાં જોઈ શકાય છે કે દિગ્વેશ રાઠી બોલ ફેંકવા માટે રન અપ લે છે અને ક્રીઝની નજીક આવે છે, પરંતુ તે પછી તે બોલ ફેંકતો નથી. આથી સ્ટ્રાઈક એન્ડ પર ઉભેલા નીતીશ રાણા અસ્વસ્થ દેખાય છે. પછી જ્યારે દિગ્વેશ ફરીથી બોલિંગ કરવા માટે તૈયાર થયો, ત્યારે નીતીશ સ્ટમ્પથી દૂર જતો રહે છે. આ પછી, બંને ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને નીતીશ ગુસ્સામાં દિગ્વેશને ઈશારા કરતો જોવા મળે છે. પછી બીજા બોલ પર, તે છગ્ગો મારે છે. પરંતુ મામલો અહીં પણ શાંત નથી થતો અને બંને ખેલાડીઓ વચ્ચે ઉગ્ર દલીલ થાય છે. બધા ખેલાડીઓ ભેગા થાય છે અને બંનેને દૂર કરવાનો પ્રયાસ કરે છે.
અન્ય ખેલાડીઓ વચ્ચે પણ થઈ ઉગ્ર દલીલ
વિવાદ અહીં જ સમાપ્ત થયો નહીં. થોડી વારમાં જ ક્રિશ યાદવે અમન ભારતીના બોલને બાઉન્ડ્રી પાર મોકલવાનો પ્રયાસ કર્યો, પરંતુ અનમોલ શર્માએ તેનો કેચ પકડ્યો. અમન ભારતીએ ઉજવણી કરતી વખતે તેને કંઈક કહ્યું. ત્યારબાદ આ બંને ખેલાડીઓ એકબીજા સાથે ઝઘડ્યા. બોલર અમન ભારતી અને યાદવ વચ્ચે ઉગ્ર દલીલ શરૂ થઈ. બંને બાજુના ખેલાડીઓએ ધક્કામુક્કી શરૂ કરી, ત્યારબાદ અધિકારીઓએ દરમિયાનગીરી કરીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.
નીતિશ રાણાએ જોરદાર સદી ફટકારી
મેચમાં, સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સની ટીમે પ્રથમ બેટિંગ કરીને 201 રન બનાવ્યા હતા. ટીમ માટે તેજસ્વી દહિયાએ સૌથી વધુ 60 રનની ઈનિંગ રમી હતી. આ પછી, મોટો ટાર્ગેટ ચેઝ કરવા આવેલી વેસ્ટ દિલ્હી લાયન્સની શરૂઆત સારી નહતી રહી. જ્યારે અંકિત કુમાર અને આયુષ દોસેજા વહેલા પવેલિયન પરત ફર્યા હતા. આવી સ્થિતિમાં, એવું લાગતું હતું કે સાઉથ દિલ્હી ટીમ મેચ સરળતાથી જીતી જશે, પરંતુ વેસ્ટ દિલ્હી લાયન્સના કેપ્ટન નીતિશ રાણા કંઈક બીજું વિચારીને મેદાનમાં આવ્યો. તેણે 55 બોલમાં અણનમ134 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 15 છગ્ગાનો સમાવેશ થાય છે. તેના કારણે જ ટીમ 7 વિકેટથી જીત મેળવવામાં સફળ રહી. તેના શક્તિશાળી પ્રદર્શન માટે તેને 'પ્લેયર ઓફ ધ મેચ' નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

