8 છગ્ગા અને 7 ચોગ્ગા સાથે બનાવ્યા 95 રન, સાંસદના દીકરાએ ક્રિકેટના મેદાનમાં મચાવી ધૂમ

દિલ્હી પ્રીમિયર લીગ (DPL) 2026માં નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સે શાનદાર પ્રદર્શન કરતા ઈસ્ટ દિલ્હી રાઈડર્સને 6 વિકેટે હરાવી દીધું છે. બુધવાર, 5 ઓગસ્ટના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સની જીતનો હીરો કેપ્ટન સાર્થક રંજન રહ્યો હતો, જેણે વિસ્ફોટક બેટિંગ કરી હતી.
સાંસદના દીકરાએ ક્રિકેટના મેદાનમાં ધૂમ મચાવી
ઓપનિંગ કરવા ઉતરેલા સાર્થક રંજને માત્ર 50 બોલમાં 95 રન ફટકાર્યા હતા, જેમાં 8 છગ્ગા અને 7 ચોગ્ગા સામેલ હતા. તે સદીથી માત્ર 5 રન દૂર રહી ગયો હતો, પરંતુ તેની વિસ્ફોટક બેટિંગે મેચનું પાસું સંપૂર્ણપણે પલટી નાખ્યું હતું. તમને જણાવી દઈએ કે, સાર્થક રંજન પૂર્ણિયાના લોકસભા સાંસદ પપ્પુ યાદવનો દીકરો છે. સાર્થકના માતા રંજીત રંજન પણ રાજ્યસભા સાંસદ છે.
172 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સની શરૂઆત સારી નહોતી રહી. ટીમે માત્ર 39 રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં કેપ્ટન સાર્થક રંજન અને યશ ભાટિયાએ મોરચો સંભાળ્યો હતો. બંને બેટ્સમેનોએ ત્રીજી વિકેટ માટે 113 રનની મેચ વિનિંગ પાર્ટનરશિપ કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. જ્યાં એક તરફ સાર્થક મોટા શોટ્સ ફટકારતો રહ્યો, તો બીજા છેડે યશે કમાલનો સાથ આપ્યો.
મેચનો ટર્નિંગ પોઈન્ટ
મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે સાર્થક રંજને ફાસ્ટ બોલર સિમરજીત સિંહની એક જ ઓવરમાં 29 રન ફટકારી દીધા હતા. આ ઓવર બાદ મુકાબલો સંપૂર્ણપણે નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સની પકડમાં આવી ગયો. જોકે સાર્થક સદીથી પાંચ રન દૂર રહીને આઉટ થઈ ગયો હતો, પરંતુ ત્યાં સુધીમાં જીત લગભગ નક્કી થઈ ચૂકી હતી. બીજી તરફ યશ ભાટિયાએ અણનમ ફિફ્ટી ફટકારીને ટીમને 4 ઓવર બાકી રહેતા જીત અપાવી હતી. ભાટિયાએ 7 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 34 બોલમાં અણનમ 53 રનનું યોગદાન આપ્યું હતું.
મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ઈસ્ટ દિલ્હી રાઈડર્સે 20 ઓવરમાં 6 વિકેટ પર 171 રન બનાવ્યા હતા. ટીમ માટે સુજલ સિંહે 50 બોલમાં અણનમ 82 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેણે પોતાની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા, પરંતુ બીજા છેડેથી તેને ખાસ સાથ ન મળ્યો. નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સ તરફથી વિકાસ દીક્ષિત સૌથી કિફાયતી બોલર રહ્યો હતો. તેણે પોતાની 4 ઓવરમાં માત્ર 19 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.
મેચ બાદ કેપ્ટન સાર્થક રંજને જણાવ્યું કે, 'કેપ્ટન તરીકે આ મારી પ્રથમ જીત છે, તેથી આ જીત મારા માટે ખૂબ જ ખાસ છે. શરૂઆતમાં બે વિકેટ પડ્યા બાદ અમારો પ્રયાસ માત્ર પાર્ટનરશિપ બનાવવાનો હતો. યશ ભાટિયાએ સતત બાઉન્ડ્રી ફટકારીને મારું દબાણ ઓછું કર્યું હતું. અમને વિશ્વાસ હતો કે, એક મોટી ઓવર ચોક્કસ આવશે અને એ જ મેચનો ટર્નિંગ પોઈન્ટ બની.'
જોકોવિચની સ્ટાઈલમાં સેલિબ્રેશન
ફિફ્ટી પૂરી કર્યા બાદ સાર્થક રંજને ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચની જેમ ખાસ અંદાજમાં સેલિબ્રેશન કર્યું હતું. તેણે જણાવ્યું કે હું જોકોવિચનો મોટો પ્રશંસક છું અને તેમને સન્માન આપવા માટે જ આ સેલિબ્રેશન કર્યું હતું. નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સની DPL 2026માં આ પ્રથમ જીત રહી છે. ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે.

