VIDEO: મિચેલ સ્ટાર્કે કપિલ દેવના રેકોર્ડની બરોબરી
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ટેસ્ટ ક્રિકેટમાં એક શાનદાર અને ઐતિહાસિક ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી છે. બાંગ્લાદેશ સામે ડારવિનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓપનર શાદમાન ઇસ્લામની વિકેટ ઝડપતાની સાથે જ સ્ટાર્ક ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ડાબોડી બોલર બની ગયો છે. આ રેકોર્ડ સાથે તેણે વૈશ્વિક સ્તરે પોતાની શ્રેષ્ઠતા વધુ એકવાર સાબિત કરી છે. 36 વર્ષીય મિચેલ સ્ટાર્કે આ મામલામાં શ્રીલંકાના મહાન સ્પિનર રંગના હેરાથને પાછળ છોડી દીધો છે. આ ઉપરાંત, ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં તેણે ભારતના મહાન કેપ્ટન અને ઓલરાઉન્ડર કપિલ દેવની બરાબરી પણ કરી લીધી છે. મિચેલ સ્ટાર્કે માત્ર 106મી ટેસ્ટ મેચમાં જ 434 વિકેટોનો આંકડો સ્પર્શી લીધો છે, જ્યારે કપિલ દેવે 131 ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી.

