VIDEO: DC vs PBKS / દિલ્હીની ટીમ સાથે જોડાયો મિચેલ સ્ટાર્ક, છતાં પંજાબ સામેની મેચ કેમ નથી રમી રહ્યો?
IPL 2026માં દિલ્હી કેપિટલ્સને મોટી રાહત મળી છે. ઓસ્ટ્રેલિયન સ્ટાર ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક આખરે ટીમ સાથે જોડાયો છે. જોકે, ફેન્સ માટે આશ્ચર્યની વાત એ છે કે ટીમમાં જોડાયા છતાં, તે પંજાબ કિંગ્સ સામેની મેચમાં નથી રમી રહ્યો.
સ્ટાર્ક છેલ્લા કેટલાક સમયથી ખભા અને કોણીની ઇજાઓથી પીડાઈ રહ્યો હતો, જેના પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા નજીકથી નજર રાખી રહ્યું હતું. તેની ફિટનેસમાં સુધારો કર્યા પછી, તેને તાજેતરમાં IPL 2026માં રમવા માટે મંજૂરી આપવામાં આવી હતી અને તે હવે લીગ શરૂ થયાના લગભગ એક મહિના પછી દિલ્હી કેપિટલ્સ કેમ્પમાં જોડાયો છે. જોકે, ટીમમાં જોડાયા છતાં, સ્ટાર્ક હજુ પણ સંપૂર્ણપણે મેચ-ફિટ નથી. આ કારણે તેને પંજાબ કિંગ્સ સામેની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નહતો કરવામાં આવ્યો. એક અહેવાલ અનુસાર, તે 1 મેના રોજ રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં વાપસી કરી શકે છે.
સ્ટાર્કે પ્રેક્ટિસ શરૂ કરી
સ્ટાર્ક પરિસ્થિતિઓને અનુરૂપ થવા માટે ભારતમાં પહોંચ્યા પછી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને ટીમ સાથે મુસાફરી કરતો જોવા મળ્યો હતો. જોકે, તેની ગેરહાજરીમાં, સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર લુંગી ન્ગીડીએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને હાલમાં બોલિંગ અટેકનું નેતૃત્વ કરી રહ્યો છે. સ્ટાર્ક રાજસ્થાન સામે સીધા પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.
દિલ્હીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો
આ મેચમાં, અક્ષર પટેલની આગેવાની હેઠળ દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પંજાબ કિંગ્સ સામે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીત્યા બાદ, અક્ષર પટેલે કહ્યું, "અમે પહેલા બેટિંગકરીશું. પિચ થોડી સૂકી લાગે છે, અને આ દિવસની મેચ છે, સાથે જ ખૂબ ગરમી છે. તેથી, અમે પહેલા સારો સ્કોર બનાવવા માંગીએ છીએ અને પછી તેને ડિફેન્ડ કરવાનો પ્રયાસ કરવા માંગીએ છીએ. પિચ જેવી દેખાય છે, તે પછીથી ધીમી પડી શકે છે અને બોલર્સને મદદ કરી શકે છે. તેથી, અમે પહેલા મોટો સ્કોર બનાવવા માંગીએ છીએ અને બોલર્સને પિચનો લાભ લેવાની તક આપવા માંગીએ છીએ."
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
પંજાબ કિંગ્સ: પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્યા, કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો યાનસન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાખ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
દિલ્હી કેપિટલ્સ: કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, લુંગી ન્ગીડી, કુલદીપ યાદવ, ટી નટરાજન, મુકેશ કુમાર.

