Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Mathematician predicts FIFA world cup 2026 winner

VIDEO: FIFA વર્લ્ડ કપ 2026 કોણ જીતશે? છેલ્લી ત્રણ સાચી આગાહી કરનારા ગણિતશાસ્ત્રીએ આ દેશનું નામ લીધું

Timeછેલ્લું અપડેટ : 15 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

શું ફૂટબોલ જેવી અનિશ્ચિતતાઓથી ભરેલી રમતમાં વિજેતાની સચોટ આગાહી ગણિત દ્વારા કરી શકાય? વર્ષ 2010ના વર્લ્ડ કપમાં 'પોલ' નામના ઓક્ટોપસે પોતાની ભવિષ્યવાણીઓથી દુનિયાને ચોંકાવી દીધી હતી. એવી જ રીતે, એક જર્મન ગણિતશાસ્ત્રી અને અર્થશાસ્ત્રીએ તેમના ડેટા મોડેલ અને ગાણિતિક સૂત્રોની મદદથી ફૂટબોલ જગતમાં હલચલ મચાવી દીધી છે. તેમનું નામ છે, જોઆચિમ ક્લેમેન્ટ (Joachim Klement). તેમણે એક કે બે વાર નહીં, પરંતુ છેલ્લા સતત 3 વર્લ્ડ કપ વિજેતાની સાચી આગાહી કરીને ફૂટબોલ એક્સપર્ટ્સને પણ ચૂપ કરી દીધા હતા. હવે તેમણે FIFA વર્લ્ડ કપ 2026ના વિજેતાની જાહેરાત કરી છે. 

App Store

ચાલો જાણીએ કે જોઆચિમ ક્લેમેન્ટને હિસાબે કયો દેશ આ ફૂટબોલ વિશ્વકપ જીતશે.

ક્લેમેન્ટનો અત્યાર સુધીનો અજેય રેકોર્ડ

ક્લેમેન્ટના ગાણિતિક મોડેલે ભૂતકાળમાં અદ્ભુત પરિણામો આપ્યા છે. તેમની ફોર્મ્યુલાએ નીચે મુજબના વિજેતાઓને અગાઉથી જ સાચી રીતે ઓળખી કાઢ્યા હતા.

2014: જર્મની
2018: ફ્રાન્સ
2022: આર્જેન્ટિના

રસપ્રદ વાત એ છે કે, ક્લેમેન્ટે 2014માં પહેલીવાર આ મોડેલ બનાવ્યું ત્યારે તેઓ એવું સાબિત કરવા માંગતા હતા કે વર્લ્ડ કપના વિજેતાની આગાહી કરવી અશક્ય છે! આ દરમિયાન જર્મની બ્રાઝિલમાં ચેમ્પિયન બન્યું ત્યારે તેઓ પોતે જ ચોંકી ગયા હતા કારણ કે ઇતિહાસમાં ક્યારેય કોઈ યુરોપિયન ટીમ દક્ષિણ અમેરિકાની ધરતી પર વર્લ્ડ કપ નહતી જીતી શકી.

કેવી રીતે કામ કરે છે આ ‘મેજિક ફોર્મ્યુલા’?

ક્લેમેન્ટનું આ મોડેલ કોઈ અંધશ્રદ્ધા કે ક્રિસ્ટલ બોલ પર આધારિત નથી. તે સંપૂર્ણપણે ડેટા પર કામ કરે છે. તેમણે ચોક્કસ ગાણિતિક ફોર્મ્યુલા (કોડ કે ઇક્વેશન) જાહેર નથી કરી, પરંતુ તે ફોર્મ્યુલા પાછળ કયા પરિબળો કામ કરે છે તેની વિગતો જાહેર કરી છે, જે નીચે મુજબ છે.

દેશની વસ્તીનું કદ (Population Size)- વસ્તી મોટી હોય તો ટેલેન્ટ પૂલ (ખેલાડીઓ) મળવાની શક્યતા વધે છે.

માથાદીઠ જીડીપી (Per Capita GDP): જે દેશ સમૃદ્ધ હોય ત્યાં રમતગમત પાછળ સંસાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સારું હોય છે.

સાંસ્કૃતિક મહત્ત્વ: એ દેશમાં ફૂટબોલ કેટલું લોકપ્રિય છે. (જેમ કે, ભારતમાં ક્રિકેટ છે.)

FIFA રેન્કિંગ: ટીમનું વર્તમાન ફોર્મ કેવું છે.

આ ચાર પરિબળોને ચોક્કસ કઈ રીતે ગાણિતિક સમીકરણમાં ગોઠવાય છે, કયા ફેક્ટરને કેટલું મહત્ત્વ અપાય છે, એ ફોર્મ્યુલા ક્લેમેન્ટે ખાનગી રાખી છે. તેમના મતે, તેમની ફોર્મ્યુલા મેચમાં શું થશે તેનો 50% હિસ્સો સમજાવી શકે છે, જ્યારે બાકીનો 50% ભાગ શુદ્ધ નસીબ અથવા તક પર આધારિત હોય છે. 

FIFA વર્લ્ડ કપ 2026 માટે શું છે આગાહી?

દુનિયાભરના ફૂટબોલ ફેન્સ જે સવાલનો જવાબ શોધી રહ્યા છે તે આપતા ક્લેમેન્ટે જણાવ્યું કે, ‘મારું મોડેલ કહે છે કે આ વખતે નેધરલેન્ડ્સ જીતશે.’ તેમના અંદાજ મુજબ, આ ટુર્નામેન્ટનું સમીકરણ કંઈક આવું રહેશે.

સેમીફાઈનલ 1: નેધરલેન્ડ્સ સ્પેનને હરાવશે.
સેમીફાઈનલ 2: પોર્ટુગલ ઈંગ્લેન્ડને હરાવશે.
ફાઈનલ મેચ: નેધરલેન્ડ્સ ફાઈનલમાં પોર્ટુગલને હરાવીને પહેલી વર્લ્ડ કપ ટ્રોફી જીતશે.

ડચ ટીમ માટે નવો ઈતિહાસ રચવાની તક

નેધરલેન્ડ્સનો વર્લ્ડ કપ ઈતિહાસ ઘણો રોમાંચક રહ્યો છે. તેઓ ભૂતકાળમાં 3 વખત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યા છે, પરંતુ ક્યારેય ટ્રોફી નથી જીતી શક્યા. રોનાલ્ડ કોમેનના નેતૃત્વમાં ડચ ટીમ આ વખતે 14 જૂને જાપાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ ગ્રુપ Fમાં તેમનો સામનો સ્વીડન અને ટ્યુનિશિયા સામે થશે.

સટ્ટો રમનારા માટે ચેતવણી

આટલો શાનદાર ટ્રેક રેકોર્ડ હોવા છતાં જોઆચિમ ક્લેમેન્ટ લોકોને તેમની આગાહીના આધારે સટ્ટો કે શરત ન લગાવવાની કડક સલાહ આપે છે. તેઓ કહે છે કે, ‘આ સંપૂર્ણપણે અતાર્કિક છે, જાણે લોટરી રમવા જેવું. આ એક સિક્કો ઉછાળવા જેવું છે. તમે કદાચ સતત 4 વખત હેડ્સ આવશે તેવી સાચી આગાહી કરી શકો, પણ એનો અર્થ એ નથી કે પાંચમી વખતે પણ એ જ આવશે.’

હવે જોવાનું એ રહેશે કે 2026ના આ મહાકુંભમાં ક્લેમેન્ટનું નસીબ અને તેમનું ગણિત સતત ચોથી વખત સાચું સાબિત થાય છે કે કેમ!