મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

રોહિત-સૂર્યા ફરીથી ફેલ..લખનૌ સુપરજાયન્ટ્સે MIને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચ્યું

લખનૌ સુપર જાયન્ટ્સે મંગળવારે જોરદાર પ્રદર્શન કર્યું અને મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટથી હરાવ્યું. આ મેચમાં મુંબઈ ઈન્ડિય

રોહિત-સૂર્યા ફરીથી ફેલ..લખનૌ સુપરજાયન્ટ્સે MIને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચ્યું

લખનૌ સુપર જાયન્ટ્સે મંગળવારે જોરદાર પ્રદર્શન કર્યું અને મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટથી હરાવ્યું. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ શરૂઆતથી જ દબાણમાં હતી. માત્ર 27 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી અને મેચના અંત સુધી તે આ દબાણમાંથી બહાર નીકળી શકી નહોતી. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024માં સૌથી વધુ મેચ હારવાના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

લખનૌ સુપરજાયન્ટ્સે પોઈન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન મેળવ્યું

આ જીત સાથે લખનૌ સુપરજાયન્ટ્સ (LSG)ની ટીમે IPL પ્લેઓફ નું સમીકરણ સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. આ જીત સાથે કેએલ રાહુલની ટીમ  લખનૌ સુપરજાયન્ટ્સે પોઈન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન મેળવી લીધું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદને એક જીત સાથે પાછળ છોડી દીધા. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ટૂર્નામેન્ટમાં 7 મેચ હાર્યા બાદ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. તે પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. હવે કોઈ ચમત્કાર જ મુંબઈ ઈન્ડિયન્સને ટોપ-4માં લઈ જઈ શકે છે.

લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. લખનૌ સુપર જાયન્ટ્સના બોલરોએ તેમના કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કર્યો અને 27 રનની અંદર મુંબઈ ઈન્ડિયન્સની 4 વિકેટ ઝડપી લીધી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યા ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. રોહિત શર્મા 4 રન, તિલક વર્મા 7 અને સૂર્યકુમાર યાદવ 10 રન બનાવીને આઉટ થયા હતા.

ટિમ ડેવિડ-વઢેરાએ સન્માનજનક સ્કોર પર ટીમને પહોંચાડી


મુંબઈ ઈન્ડિયન્સે 10મી ઓવરમાં પોતાના 50 રન પૂરા કર્યા. તે સમયે મુંબઈ માટે 100 રન સુધી પહોંચવું મુશ્કેલ લાગતું હતું. પરંતુ નેહલ વાઢેરા (46 રન, 41 બોલ) અને ટિમ ડેવિડ (35 રન, 18 બોલ) એ છેલ્લી ઓવરોમાં ઝડપી બેટિંગ કરી અને પોતાની ટીમને 7 વિકેટે 144 રન સુધી પહોંચાડી દીધી. આ પહેલા ઈશાન કિશને 36 બોલમાં 32 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી મોહસીને બે વિકેટ ઝડપી હતી. માર્કસ સ્ટોઈનિસ, નવીન ઉલ હક, મયંક યાદવ અને રવિ બિશ્નોઈને એક-એક વિકેટ મળી હતી.

ઓપનર અરશિન ખાતું પણ ખોલાવી શક્યો નહોતો


ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી લખનૌ સુપરજાયન્ટ્સને શરૂઆતમાં મોટો આંચકો લાગ્યો હતો. યુવા ઓપનર અરશિન કુલકર્ણી ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. મુંબઈ ઈન્ડિયન્સને બીજી વિકેટ માટે લાંબી રાહ જોવી પડી હતી. કેપ્ટન કેએલ રાહુલ (28) અને માર્કસ સ્ટોઈનિસ (62)એ મળીને લખનૌને 59 રન સુધી પહોંચાડ્યું હતું. આ સ્કોર પર કેએલ રાહુલ હાર્દિક પંડ્યાની બોલિંગમાં નબીના હાથે કેચ આઉટ થયો હતો.

કેએલ રાહુલના આઉટ થયા બાદ માર્કસ સ્ટોઈનિસ અને દીપક હુડા (18) પોતાની ટીમને 99ના સ્કોર સુધી લઈ ગયા હતા. આ સ્કોર પર દીપક આઉટ થયા બાદ નિકસલ પુરન ક્રિઝ પર આવ્યો હતો. તેણે છેલ્લી ઓવરોમાં સ્ટોઈનિસ, એસ્ટન ટર્નર (5) અને આયુષ બદોની (6) સાથે નાની ભાગીદારી કરીને લખનૌ સુપરજાયન્ટ્સનો વિજય સુનિશ્ચિત કર્યો. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે  રાહતની વાત એ હતી કે  કેપ્ટન હાર્દિક પંડ્યાએ સારી બોલિંગ કરી અને 2 વિકેટ લીધી. હાર્દિકે 4 ઓવરનો સંપૂર્ણ સ્પેલ ફેંકવો એ ભારતીય ટીમ માટે સારા સમાચાર છે.

આ સમાચાર શેર કરો