ત્રણ દિવસમાં 4 શહેરોની મુલાકાત લેશે લિયોનેલ મેસી, જાણો સ્ટાર ફૂટબોલરની ઈન્ડિયા ટૂરનું સંપૂર્ણ શેડ્યૂલ

આર્જેન્ટિનાનો સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસી તેમના ત્રણ દિવસના બહુપ્રતિક્ષિત 'GOAT India Tour 2025' માટે ભારત પહોંચી ગયો છે. તેના પ્રથમ સ્ટોપ કોલકાતામાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફેન્સે ભારે ઉત્સાહ સાથે તેનું સ્વાગત કર્યું હતું. મેસી સાથે તેના સાથી ખેલાડીઓ લુઇસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ પણ ભારત આવ્યા છે. આ પ્રવાસ દરમિયાન મેસી કોલકાતા, હૈદરાબાદ, મુંબઈ અને નવી દિલ્હી તેમ ચાર મોટા શહેરોની મુલાકાત લેશે.
કોલકાતામાં વિશિષ્ટ કાર્યક્રમો
કોલકાતામાં લિયોનેલ મેસીની મુલાકાત દરમિયાન અનેક હાઈ પ્રોફાઈલ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. મેસી તેના નામ પરથી બનેલી 70 ફૂટ ઊંચી પ્રતિમાનું વર્ચ્યુઅલી અનાવરણ કરશે. સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે તે પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી અને બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને મળશે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા પણ તેનું સન્માન કરવામાં આવી શકે છે.
મેસીના GOAT ઈન્ડિયા ટૂર 2025નું સંપૂર્ણ શેડ્યૂલ
13મી ડિસેમ્બર, કોલકાતા
- સવારે 10:30 થી 11:15 વાગ્યા સુધી: લિયોનેલ મેસીની પ્રતિમાનું અનાવરણ
- 11:15 થી 11:25 વાગ્યા સુધી: યુવા ભારતી ખાતે આગમન
- 12:૦૦ વાગ્યે: મુખ્યમંત્રી મમતા બેનરજી અને સૌરવ ગાંગુલીનું સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે આગમન
- 12:00 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી: ફ્રેન્ડલી મેચ, સન્માન અને વાર્તાલાપ
- 02:00 વાગ્યે: હૈદરાબાદ માટે પ્રસ્થાન
13 ડિસેમ્બર, હૈદરાબાદ
- સાંજે 7:00 વાગ્યે: રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે લિયોનેલ મેસી સાથે 7v7 મેચ, ત્યારબાદ કોન્સર્ટ
14મી ડિસેમ્બર, મુંબઈ
- બપોરે 3:30 વાગ્યે: પેડલ કપ ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયામાં ભાગ લેશે
- સાંજે 4:00 વાગ્યા સુધી: સેલિબ્રિટી ફૂટબોલ મેચ
- સાંજે 5:00 વાગ્યે: વાનખેડે સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ, ત્યારબાદ ચેરિટી ફેશન શો
15 ડિસેમ્બર, નવી દિલ્હી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત
- બપોરે 1:30 વાગ્યે: અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ, જેમાં મિનર્વા એકેડેમીના ખેલાડીઓના સન્માન સમારોહમાં હાજરી

