VIDEO: IPLમાં કેએલ રાહુલે રચ્યો ઈતિહાસ, રોહિત શર્મા અને વિરાટ કોહલીને પણ છોડ્યા પાછળ
દિલ્હી કેપિટલ્સનો ઓપનર કેએલ રાહુલ IPL 2026માં સતત રન બનાવી રહ્યો છે. આ સિઝનમાં અત્યાર સુધી રાહુલે 9 મેચમાં 54.12ની એવરેજ અને 185.84ના સ્ટ્રાઈક રેટથી 433 રન બનાવ્યા છે. શુક્રવારે, રાજસ્થાન રોયલ્સ સામે, કેએલ રાહુલે 40 બોલમાં 75 રનની મેચવિનિંગ ઈનિંગ રમી હતી. આ દરમિયાન, તેણે 6 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે રાહુલે રોહિત શર્મા અને વિરાટ કોહલીને પાછળ છોડી દીધા અને એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો.
કેએલ રાહુલ સૌથી વધુ છગ્ગા મારવામાં નંબર 1 બન્યો
કેએલ રાહુલ હવે IPL ઈતિહાસમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીય ઓપનર બન્યો છે. કેએલ રાહુલે IPLમાં ઓપનર તરીકે 201 છગ્ગા ફટકાર્યા છે. તેની પહેલા કોઈ ભારતીય ઓપનરે 200 છગ્ગા નથી ફટકાર્યા. કેએલ રાહુલે આ રેકોર્ડ યાદીમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને પાછળ છોડી દીધા છે. રાહુલે 201 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે વિરાટ કોહલીએ 192 છગ્ગા અને રોહિત શર્માએ 148 છગ્ગા ફટકાર્યા છે. શિખર ધવન 143 છગ્ગા સાથે ભારતીય ઓપનર્સમાં ચોથા ક્રમે છે.
કેએલ રાહુલ આ રેકોર્ડ યાદીમાં ત્રીજા ક્રમે છે
વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ખેલાડી ક્રિસ ગેલના નામે IPLમાં ઓપનર તરીકે સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે. ગેલે ઓપનર તરીકે 326 છગ્ગા ફટકાર્યા છે. કેએલ રાહુલ આ રેકોર્ડ યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. રાહુલના નામે 201 છગ્ગા છે, જ્યારે બીજા ક્રમે રહેલા ડેવિડ વોર્નરના નામે 210 છગ્ગા છે. રાહુલ IPL 2026માં જ ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરને પાછળ છોડી શકે છે.
કેએલ રાહુલે IPL 2026માં 9 મેચની 9 ઇઈનિંગ્સમાં 433 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 3 અડધી સદીનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન, તેણે 24 છગ્ગા અને 42 ચોગ્ગા ફટકાર્યા છે. રાહુલે પંજાબ કિંગ્સ સામે 67 બોલમાં 9 છગ્ગા અને 16 ચોગ્ગાની મદદથી અણનમ 152 રન બનાવ્યા. આ IPLમાં ભારતીય બેટ્સમેનનો સૌથી વધુ સ્કોર છે અને IPLમાં ત્રીજો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે.

