VIDEO: 15 વર્ષીય ખેલાડી સામે આક્રમક સેલિબ્રેશન ભારે પડ્યું, હવે BCCIએ કાઈલ જેમિસનને ફટકારી સજા
IPL 2026માં 15 વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી પોતાની જોરદાર બેટિંગના કારણે સતત ચર્ચામાં છે. શુક્રવાર, 1 મેના રોજ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચમાં ફેન્સ વૈભવ સૂર્યવંશી અને મિચેલ સ્ટાર્ક વચ્ચેની ટક્કર જોવા આતુર હતા. જોકે, ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર કાઈલ જેમિસને વૈભવને આઉટ કરીને આ આકર્ષણ પોતાની તરફ ખેંચી લીધું હતું. વૈભવે જેમિસનની ઓવરના પહેલા જ બોલ પર શાનદાર ચોગ્ગો ફટકારીને આક્રમક શરૂઆત કરી હતી, પરંતુ પછીના જ બોલ પર જેમિસને એક ધારદાર યોર્કર નાખીને તેને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. જોકે હવે જેમિસનને તેનું સેલિબ્રેશ ભારે પડી ગયું. BCCI એ તેની સામે કાર્યવાહી કરી છે.
BCCI દ્વારા કાઈલ જેમિસન સામે કાર્યવાહી
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ દરમિયાન, દિલ્હીના બોલર કાઈલ જેમિસને IPLની આચાર સંહિતાના લેવલ 1નું ઉલ્લંઘન કર્યું છે. વૈભવ સૂર્યવંશીને આઉટ કર્યા બાદ આક્રમક રીતે ઉજવણી કરવા બદલ જેમિસનને એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે અને સત્તાવાર ચેતવણી આપવામાં આવી છે.
નિયમ અને સજા
જેમિસનને IPL આચાર સંહિતાની કલમ 2.5 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે, જે અન્ય ખેલાડી સામે અપમાનજનક ભાષા, હાવભાવ અથવા આક્રમક પ્રતિક્રિયા ઉશ્કેરવા સાથે સંબંધિત છે. પ્રથમ ઈનિંગની બીજી ઓવરમાં બનેલી આ ઘટના માટે જેમિસને પોતાનો ગુનો સ્વીકારી લીધો છે, જેના કારણે સોશિયલ મીડિયા પર પણ તેમની ભારે ટીકા થઈ રહી છે.
જેમિસનનું સેલિબ્રેશન અને સોશિયલ મીડિયા પર ફેન્સનો આક્રોશ
વૈભવ સૂર્યવંશીને આઉટ કર્યા બાદ કાઈલ જેમિસને ખૂબ જ આક્રમક રીતે ઉજવણી કરી હતી. 6 ફૂટ 8 ઈંચ ઊંચા જેમિસનનું એક 15 વર્ષના બાળકની વિકેટ લીધા બાદ આવું વર્તન ફેન્સને પસંદ નથી આવ્યું. સોશિયલ મીડિયા પર ફેન્સ જેમિસનની સ્પોર્ટ્સમેન સ્પિરિટ પર સવાલો ઉઠાવી રહ્યા છે. કેટલાક ફેન્સે વ્યંગમાં લખ્યું કે જેમિસન એવી રીતે ઉજવણી કરી રહ્યો છે જાણે તેણે ક્રિસ ગેલને આઉટ કર્યો હોય અથવા ઓલિમ્પિક જીતી લીધું હોય. ફેન્સનું કહેવું છે કે એક ઈન્ટરનેશનલ બોલરે આટલા નાના બાળક સામે આટલી આક્રમકતા બતાવવી મૂર્ખામી છે.
એક ફેને X (ટ્વિટર) પર લખ્યું કે, "કાઈલ જેમિસન વિરુદ્ધ ચાઇલ્ડ અબ્યુઝની ફરિયાદ નોંધાવવી જોઈએ... બિચારા બાળકને ડરાવી રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે કોઈ ઇન્ટરનેશનલ બોલર આ રીતે વિકેટની ઉજવણી કરતો હોય, ત્યારે જ તમે વૈભવ સૂર્યવંશીની વિકેટની કિંમત અને તેનું સ્ટેટસ સમજી શકો છો."
અન્ય એકે લખ્યું, "વૈભવ અત્યારે જે ફોર્મમાં છે તેને જોતા જેમિસનનો વાંક પણ ન કાઢી શકાય, એવું લાગે છે કે જાણે તેણે તેના જમાનાના ખતરનાક ક્રિસ ગેલને આઉટ કર્યો હોય!"
બીજા એક ફેને લખ્યું, "15 વર્ષનો છોકઆની સામે 6'8 ફૂટનો વિશાળ માણસ...અને પાછો એ તો એવી રીતે ઉજવણી કરી રહ્યો છે જાણે ઓલિમ્પિક જીતી લીધું હોય. ભારે કોમેડી!"
વધુ એકે લખ્યું, "તમારી સ્પોર્ટ્સમેન સ્પિરિટ ક્યાં ગઈ અંકલ જેમ્સ? તમે કેટલા મૂર્ખ છો, તમે તો તમારી જ ફજેતી કરાવી દીધી."
મેચનું પરિણામ: દિલ્હી કેપિટલ્સની શાનદાર જીત
મેચની વાત કરીએ તો, દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવીને પોતાનો સૌથી સફળ રન ચેઝ નોંધાવ્યો છે. રાજસ્થાન રોયલ્સે કેપ્ટન રિયાન પરાગના 90 રન અને ડોનોવન ફરેરાના 47 રનની મદદથી 225 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં દિલ્હી કેપિટલ્સ તરફથી કેએલ રાહુલે 75 રન અને પાથુમ નિસાંકાએ 62 રન બનાવીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. અંતમાં નીતિશ રાણા (33), ટ્રિસ્ટન સ્ટબ્સ (18*) અને આશુતોષ શર્મા (25*) ના આક્રમક પ્રદર્શનથી દિલ્હીએ 5 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. આ જીત સાથે દિલ્હીની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે.

