Asia Cup 2025માં રમશે કે નહીં જસપ્રીત બુમરાહ? ભારતીય પેસરે BCCI અને સિલેક્ટર્સને આપ્યું અપડેટ

અજીત અગરકરની આગેવાની હેઠળની સિલેક્શન સમિતિ 19 ઓગસ્ટના રોજ એશિયા કપ 2025 માટે ટીમની પસંદગી માટે મીટિંગ કરશે. આ મીટિંગમાં અનેક ખેલાડીઓની કિસ્મતનો નિર્ણય થશે અને અંતે માત્ર 15 પ્લેયર્સને જ આ ટુર્નામેન્ટમાં તક મળશે. આ 15 ખેલાડી આગામી T20 વર્લ્ડ કપ 2026ના પણ પ્રમુખ દાવેદાર હશે. આ મીટિંગ પહેલા ભારતના નંબર 1 ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે BCCI સહીત સિલેક્ટર્સને પોતાની ઉપલબ્ધતા પર અપડેટ આપ્યું છે. જસપ્રીત બુમરાહ છેલ્લી વખત ઈંગ્લેન્ડ પ્રવાસ પર એક્શનમાં દેખાયો હતો, જ્યાં વર્કલોડના કારણે તે માત્ર ત્રણ જ ટેસ્ટ રમ્યો હતો.
બુમરાહને લઈને ટીમ ઈન્ડિયા માટે ગુડ ન્યૂઝ
બુમરાહે પહેલા જ સિલેક્ટર્સને ટુર્નામેન્ટમાં રમવાની પોતાની ઈચ્છા જણાવી દીધી છે, તેથી તેનું ટીમમાં સામેલ થવું લગભગ નક્કી છે. એક અહેવાલમાં સૂત્રના હવાલે જણાવાયું છે કે, બુમરાહે સિલેક્ટર્સને જણાવી દીધું છે કે, "હું એશિયા કપની પસંદગી માટે ઉપલબ્ધ રહીશ." સિલેક્શન કમિટી આવતા અઠવાડિયે બેઠક કરશે અને તેના પર ચર્ચા કરશે.
જસપ્રીત બુમરાહે છેલ્લી T20I મેચ જુન 2024માં સાઉથ આફ્રિકા સામે રમ્યો હતો. તે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ હતી, તેમાં ટીમ ઈન્ડિયાએ આફ્રિકાને હહરાવ્યું હતું. ત્યારબાદથી બુમરાહ એક પણ T20I મેચ નથી રમ્યો. હવે તે સીધો એશિયા કપમાં એક્શનમાં નજર આવી શકે છે.
ભારત એશિયા કપમાં પોતાની પ્રથમ મેચ 10 સપ્ટેમ્બરના રોજ UAE સામે રમશે. 14 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં પાકિસ્તાન સામે હાઈ વોલ્ટેજ મેચ હશે, પરંતુ ટીમ ઈન્ડિયા આ મેચ રમશે કે નહીં તે સવાલ છે. ઓમાન સામે 19 સપ્ટેમ્બરના રોજ છેલ્લી મેચ રમીને ભારત ગ્રુપ સ્ટેજનો અંત કરશે.
તમને જણાવી દઈએ કે, ભારત, UAE, પાકિસ્તાન અને ઓમાનને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે, જ્યારે ગ્રુપ Bમાં અફઘાનિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા અને હોંગકોંગ સામેલ છે.

