ભારતે એશિયા કપનો બોયકોટ કરવો જોઇએ, પાકિસ્તાન સામે મેચ જ ના રમવી જોઇએ- ભડક્યો હરભજન

ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર રહેલા હરભજન સિંહે સ્પષ્ટ કહ્યું છે કે ભારતે એશિયા કપ 2025માં પાકિસ્તાન સામે મેચ ના રમવી જોઇએ. હરભજનનું માનવું છે કે પહેલા દેશ અને પછી રમત. સરહદ પર તૈનાત જવાનોની શહાદતનો ઉલ્લેખ કરતા ભજ્જીએ પૂછ્યું કે મીડિયા પાકિસ્તાનને આટલું મહત્ત્વ કેમ આપે છે? હરભજન ખુદ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટીમનો ભાગ હતો જેને WCLમાં પાકિસ્તાન વિરૂદ્ધ રમવાનો ઇનકાર કર્યો હતો.
હરભજન સિહે કહ્યું કે- લોહી અને પાણી એક સાથે ના વહી શકે, અમે તેમને આટલું મહત્ત્વ કેમ આપી રહ્યાં છીએ? ભજ્જીએ સ્પષ્ટ કર્યું કે ભારતે એશિયા કપનો બોયકોટ કરવો જોઇએ. એશિયા કપની શરૂઆત 9 સપ્ટેમ્બરથી થઇ રહી છે.
હરભજન તાજેતરમાં પૂર્ણ થયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લીજેન્ડ્સ (WCL)નો ભાગ હતો જ્યાં ઇન્ડિયા ચેમ્પિયન્સ ટીમે ગ્રુપ સ્ટેજ અને સેમી ફાઇનલ બન્નેમાં પાકિસ્તાન ચેમ્પિયન્સ વિરૂદ્ધ રમવાનો ઇનકાર કર્યો હતો. આ ટીમમાં શિખર ધવન, યુવરાજ સિંહ, હરભજન સિંહ, ઇરફાન પઠાણ, યુસૂફ પઠાણ અને સુરેશ રૈના સહિતના દિગ્ગજ ખેલાડી સામેલ હતા. આ નિર્ણય પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ લેવામાં આવ્યો હતો. હરભજને કહ્યું હતું, 'દેશ સૌથી પહેલા'.
ભજ્જીનું માનવું છે કે સૂર્યકુમારની આગેવાની ધરાવતી ભારતીય ટીમે પાકિસ્તાન વિરૂદ્ધ મેચ રમવાનો ઇનકાર કરવો જોઇએ. હરભજને કહ્યું કે- તેમને સમજવું જોઇએ કે શું જરૂરી છે અને શું નથી? મારા માટે આપણા દેશના તે જવાન જે સરહદ પર ઉભા છે અને તેમનો પરિવાર કેટલીક વખત તેમને જોઇ પણ નથી શક્તિ, તે શહીદ થઇે ઘરે પરત ફરી શકતા નથી, આટલું મોટું બલિદાન આપણા બધા માટે સૌથી મોટું છે.'
એશિયા કપ 2025માં ભારતના ગ્રુપમાં કોણ-કોણ?
ભારત એશિયા કપ ચેમ્પિયન છે. ટીમે ગત વખતે ફાઇનલમાં શ્રીલંકાને 10 વિકેટે હરાવીને પોતાનો આઠમો ખિતાબ જીત્યો હતો. જે ટૂર્નામેન્ટના ઇતિહાસમાં કોઇ પણ દેશ દ્વારા સૌથી વધુ છે. ભારત એશિયા કપ 2025માં ગ્રુપ Aમાં છે. આ ગ્રુપમાં ઓમાન, યજમાન UAE અને પાકિસ્તાન છે. ગ્રુપ Bમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, હોંગકોંગ અને શ્રીલંકા સામેલ છે.

