જસપ્રીત બુમરાહે ટેસ્ટમાં પૂરી કરી વિકેટની બેવડી સદી, એક સાથે તોડ્યા અનેક રેકોર્ડ

જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની બોલિંગથી સતત એક પછી એક નવા રેકોર્ડ બનાવી રહ્યો છે, જેમાં તેણે હવે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર મેલબર્ન સ્ટેડિયમમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની ચોથી ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમના ખતરનાક બેટ્સમેન ટ્રેવિસ હેડની વિકેટ લઈને તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની વિકેટની બેવડી સદી પણ પૂરી કરી હતી. આ સાથે બુમરાહે ઘણા નવા રેકોર્ડ પણ બનાવ્યા છે. જસપ્રીત બુમરાહ હવે ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ લેનારો ભારતનો છઠ્ઠો ફાસ્ટ બોલર બની ગયો છે.
આ પણ વાંચો: સદી ફટકાર્યા બાદ પરિવારને મળ્યો નીતિશ રેડ્ડી, BCCIએ શેર કર્યો ભાવુક ક્ષણનો VIDEO
બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહે ટ્રેવિસ હેડની વિકેટ લેતાની સાથે જ તે તેની ટેસ્ટ કારકિર્દીની 200મી વિકેટ પણ હતી અને તે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 20થી ઓછી એવરેજ સાથે 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો હતો. જ્યારે બુમરાહે તેની 200મી ટેસ્ટ વિકેટ લીધી ત્યારે તેની બોલિંગ એવરેજ માત્ર 19.56 હતી. આ મામલે બુમરાહે જોએલ ગાર્નરનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેમણે જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 200 વિકેટ પૂરી કરી ત્યારે તેની બોલિંગ એવરેજ 20.34 હતી.
ટેસ્ટમાં સૌથી ઓછી એવરેજ સાથે 200 વિકેટ પૂરી કરનાર બોલરો
- જસપ્રીત બુમરાહ (ભારત) - 19.56
- જોએલ ગાર્નર (વેસ્ટ ઈન્ડિઝ) - 20.34
- શોન પોલાક (સાઉથ આફ્રિકા) - 20.39
- વકાર યુનિસ (પાકિસ્તાન) - 20.61
ટેસ્ટમાં સૌથી ઓછા બોલમાં 200 વિકેટ પૂરી કરનાર ચોથો બોલર
જસપ્રીત બુમરાહ હવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં 200 વિકેટ પૂરી કરનાર ચોથો બોલર બની ગયો છે. બુમરાહે તેની 200 ટેસ્ટ વિકેટ 8484 બોલમાં પૂરી કરી હતી. આ યાદીમાં પહેલા સ્થાન પર પાકિસ્તાની ટીમના પૂર્વ કેપ્ટન વકાર યુનુસનું નામ છે, જેણે ટેસ્ટમાં પોતાની 200 વિકેટ 7725 બોલમાં પૂરી કરી હતી. જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 200 વિકેટ પૂરી કરનાર રવિચંદ્રન અશ્વિન બાદ ભારતનો બીજો બોલર બની ગયો છે.
ટેસ્ટમાં સૌથી ઓછા બોલમાં 200 વિકેટ લેનાર બોલરો
- વકાર યુનિસ (પાકિસ્તાન) - 7725 બોલ
- ડેલ સ્ટેન (સાઉથ આફ્રિકા) - 7848 બોલ
- કાગીસો રબાડા (સાઉથ આફ્રિકા) - 8153 બોલ
- જસપ્રીત બુમરાહ (ભારત) - 8484 બોલ

