IND vs NZ / 'હું ફક્ત ઘરેલુ ક્રિકેટમાં રન...', મેચ વિનિંગ ઈનિંગ બાદ ઈશાન કિશને જણાવી તેના કમબેકની કહાની

ભારતે શુક્રવારે રાયપુરમાં ઈશાન કિશન (76) ની અડધી સદી ફટકારી અને ત્યારબાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ (82*) ની ઈનિંગને કારણે બીજી T20Iમાં ન્યુઝીલેન્ડને 7 વિકેટથી હરાવ્યું અને પાંચ મેચની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી. ઈશાન ભારતની જીતનો હીરો હતો. 237.50ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા તેણે 32 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને 76 રન બનાવ્યા હતા.
2 વર્ષ પછી વાપસી
ઈશાન બે વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યો છે. નાગપુરમાં રમાયેલી પહેલી T20Iમાં તે ફક્ત 8 રન જ બનાવી શક્યો હતો. તે પછી રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં તેનું બેટ ગર્જ્યું. મેચ પછી ઈશાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની વાપસી વિશે વાત કરી હતી. તેની કેપ્ટનશિપ હેઠળ ઝારખંડે તાજેતરમાં જ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી હતી.
ઈશાને શું કહ્યું?
મેચ પછી ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું કે તેને ખબર નહતી કે ઈશાન કિશને લંચમાં શું ખાધું હતું. આના પર ઈશાને જવાબ આપ્યો, "લંચમાં કંઈ ખાસ નહીં મેં ફક્ત સામાન્ય ભોજન લીધું હતું. મારું સંપૂર્ણ ધ્યાન આજની રમત પર હતું અને હું મેચ માટે સંપૂર્ણપણે તૈયાર હતો. ક્યારેક તમને ખ્યાલ આવે છે કે તમે સારી બેટિંગ કરી રહ્યા છો. તમારે ફક્ત તમારી માનસિક સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે, બોલ જોવાનો હોય છે અને સારા શોટ રમવાના હોય છે."
ઈશાને પોતાની રણનીતિ શેર કરી
ઈશાને આગળ કહ્યું, "અમે જોખમ નહતા લેવા માંગતા, ક્રોસ-બેટિંગ ન હતા કરવા માંગતા, પરંતુ હું હજુ પણ પાવરપ્લેમાં શક્ય તેટલા રન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે તમે 200થી વધુનો ટાર્ગેટ ચેઝ કરી રહ્યા હોવ, ત્યારે તમારે પાવરપ્લેમાં સારો સ્કોર કરવો પડે છે. આ તમે કેવી રીતે બેટિંગ કરી રહ્યા છો તેના પર આધાર રાખે છે. મને મેદાન પર ખરેખર સારું લાગ્યું. હું પહેલા જ બોલથી બોલને સારી રીતે ફટકારી રહ્યો હતો, તેથી મને મારી જાત પર વિશ્વાસ હતો. મને લાગ્યું કે જો હું સારા શોટ રમીશ, તો હું ટીમ માટે મેચ જીતી શકીશ."
ઝારખંડની જીત વિશે પણ વાત કરી
આ મુકાબલામાં પ્લેયર ઓફ ધ મેચ બનેલા ઈશાને કહ્યું, "હું ફક્ત ઘરેલુ ક્રિકેટમાં રન બનાવવા માંગતો હતો. ક્યારેક પોતાના માટે રન બનાવવા જરૂરી હોય છે, જેથી તમારી બેટિંગ અને ભારત માટે રમવાની ક્ષમતા વિશેના તમારા પ્રશ્નોના જવાબ આપી શકાય. એટલા માટે મારા માટે ઘરેલુ ક્રિકેટ રમવું અને રન બનાવવા મહત્ત્વપૂર્ણ હતું. સારી વાત એ હતી કે અમે ટ્રોફી પણ જીતી અને હું તે આત્મવિશ્વાસ અહીં લાવ્યો. તેથી આ મારા માટે એક સારો દિવસ હતો."
ઈશાને પોતાના કમબેક વિશે આ વાત કહી
પોતાના કમબેક વિશે ઈશાને કહ્યું, "મેં મારી જાતને એક પ્રશ્ન પૂછ્યો, શું હું ફરીથી તે કરી શકું છું કે નહીં? મારી પાસે ખૂબ જ સ્પષ્ટ જવાબ હતો. મને લાગ્યું કે હું આખી ઈનિંગ બેટિંગ કરી શકું છું અને સારા શોટ રમી શકું છું. મારા પ્રશ્નોના જવાબ આપવા માટે મારે ગમે ત્યાંથી રન બનાવવા જરૂરી હતા. ભલે હું આઉટ થઈ જાઉં, હું ફક્ત સારું ક્રિકેટ રમવા માંગતો હતો."

