VIDEO: GT vs KKR / આજે કોલકાતા સામે હશે ગુજરાતનો પડકાર, પહેલી જીત શોધી રહી છે KKRની ટીમ
IPLમાં નબળા પ્રદર્શનને કારણે દબાણ હેઠળ રહેલી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) શુક્રવારે ફોર્મમાં ચાલી રહેલી ગુજરાત ટાઈટન્સની ટીમ સામે પોતાની ગતિ પાછી મેળવવા અને પહેલી જીત મેળવવાનો પ્રયાસ કરશે. કેપ્ટન અજિંક્ય રહાણે અને કોચ અભિષેક નાયરના નેતૃત્વમાં KKR પાસે સ્પષ્ટ રણનીતિનો અભાવ હોય તેવું લાગે છે, કારણ કે તેણે અત્યાર સુધી પોતાની પાંચમાંથી ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી.
હર્ષિત રાણા અને આકાશ દીપને ઈજાઓ અને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના નિર્દેશો પર ટીમમાંથી મુસ્તફિઝુર રહેમાનની બહાર કરવાને કારણે ટુર્નામેન્ટ પહેલા ટીમની બોલિંગ નબળી પડી ગઈ હતી. જોકે, તેના માટે સૌથી મોટી ચિંતા સ્પિન બોલર્સ સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીનું ખરાબ ફોર્મ છે. ચક્રવર્તીએ હજુ સુધી ટુર્નામેન્ટમાં વિકેટ નથી લીધી. મેદાન પર અને બહાર કેટલાક નિર્ણયોથી KKRની સમસ્યાઓ વધી ગઈ છે. ટિમ સાઈફર્ટ અને રચિન રવિન્દ્ર જેવા ખેલાડીઓની બહાર રાખવા અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, જ્યારે ટોસ જીત્યા પછીના તેના નિર્ણયો પણ સમજી શકાય તેવા નથી.
કેકેઆર દિશાહીન ટીમ લાગે છે
રહાણેએ પંજાબ કિંગ્સ સામે વરસાદથી રદ્દ થયેલી મેચમાં બેટિંગ કરવાનો નિર્ણય લઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે, તેણે બોલર ફ્રેન્ડલી પિચ પર પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે કુલ 220 રન ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહી હતી, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 65 રનની હારથી તેની સમસ્યાઓ વધી ગઈ હતી. આમ, કેકેઆર દિશાહીન ટીમ લાગે છે.
ગ્રીન ખાસ અસર છોડવામાં નિષ્ફળ ગયો
અત્યાર સુધી, તમામ બધાની નજર કેમેરોન ગ્રીન પર છે, જેને આન્દ્રે રસેલના સ્થાને રેકોર્ડ 25.20 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર તે કિંમતને યોગ્ય ઠેરવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે, તેણે પાંચ ઈનિંગ્સમાં ફક્ત 56 રન બનાવ્યા અને તેની બોલિંગથી કંઈ ખાસ નથી કરી શક્યો.
કેકેઆરનો બેટિંગ ઓર્ડર
કેકેઆરના બેટિંગ ઓર્ડરમાં પણ સ્પષ્ટતાનો અભાવ છે. છેલ્લી મેચમાં, સુનિલ નારાયણને ઈનિંગ ઓપન કરવા માટે મોકલવામાં આવ્યો હતો, જ્યારે રહાણે ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ બંને ફેરફારો કામ ન કરી શક્યા. મનીષ પાંડે, રાહુલ ત્રિપાઠી અને સાર્થક રંજન જેવા ભારતીય બેટ્સમેનોને હજુ સુધી તક નથી મળી. જીતવા માટે, KKRએ તેની રણનીતિ બદલવી પડશે અને ત્રણેય વિભાગોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.
ગુજરાત ઘરઆંગણે સારું પ્રદર્શન કરવા માંગશે
ગુજરાત ટાઈટન્સ પણ હજુ સુધી ઘરઆંગણે જીત નથી મેળવી શક્યું. તેણે અહીં રમાયેલી તેની એકમાત્ર મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ત્યારથી વિરોધી ટીમના મેદાન પર બે જીત મેળવી ચૂક્યા છે. તેની બોલિંગ મજબૂત દેખાય છે, જેમાંપ્રસિદ્ધ કૃષ્ણા સારું પ્રદર્શન કરી રહ્યો છે અને રાશિદ ખાન ફરીથી પોતાની લય મેળવી રહ્યો છે. શુભમન ગિલ અને જોસ બટલર જેવા બેટ્સમેન ફોર્મમાં આવવાથી ગુજરાતની ટીમ મજબૂત દેખાય છે.
IPL 2026 માટે બંને ટીમો
ગુજરાત ટાઈટન્સઃ શુભમન ગિલ (કેપ્ટન), અનુજ રાવત, જોસ બટલર, કુમાર કુશાગરા, ગ્લેન ફિલિપ્સ, રાશિદ ખાન, માનવ સુથાર, નિશાંત સિંધુ, રાહુલ તેવટિયા, વોશિંગ્ટન સુંદર, ગુરનુર બરાર, અરશદ ખાન, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કાગીસો રબાડા, આર સાઈ કિશોર, ઈશાંત શર્મા, અશોક શર્મા, જેસન હોલ્ડર, ટોમ બેન્ટન, લ્યુક વુડ, સાઈ સુદર્શન, એમ શાહરૂખ ખાન, જયંત યાદવ, કુલવંત ખેજરોલિયા.
કોલકાતા નાઈટ રાઈડર્સ: અજિંક્ય રહાણે (કેપ્ટન), મનીષ પાંડે, રોવમેન પોવેલ, અંગક્રિશ રઘુવંશી, રમણદીપ સિંહ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, અનુકુલ રોય, વૈભવ અરોરા, ઉમરાન મલિક, વરુણ ચક્રવર્તી, કેમેરોન ગ્રીન, મથીશા પથિરાના, રાહુલ ત્રિપાઠી, ટિમ સાઈફર્ટ, તેજસ્વી દહિયા, રચિન રવિન્દ્ર, આકાશ દીપ, બ્લેસિંગ મુઝરબાની, નવદીપ સૈની, પ્રશાંત સોલંકી, ફિન એલન, દક્ષ કામરા, કાર્તિક ત્યાગી, સાર્થક રંજન, સૌરભ દુબે.

