GT vs CSK: આ મેચની બદલાઈ તારીખ, ફ્રાન્ચાઈઝીએ ટિકિટધારકોને આપ્યા બે વિકલ્પો

આઈપીએલ-2026માં અમદાવાદમાં એક મેચની તારીખમાં ફેરફાર થયા બાદ ગુજરાત ટાઈટન્સે ટિકિટો અંગે મહત્ત્વની જાહેરાત કરી છે. ટીમના ફ્રાન્ચાઈઝીએ ફેરફાર થયેલ મેચની ટિકિટો અંગે ટિકિટધારકોને બે વિકલ્પો આપ્યા છે.
26 એપ્રિલના બદલે 21 મેએ મેચ રમાશે
IPL-2026 વચ્ચે BCCI દ્વારા મેચોના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ નવા ફેરફાર મુજબ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની મેચ હવે 26 એપ્રિલના બદલે 21 મેના રોજ સાંજે 7.30 રમાશે. આ અંગે ગુજરાત ટાઈટન્સ ફ્રેન્ચાઇઝીએ ટિકિટ ખરીદનારા ચાહકો માટે મહત્ત્વની જાહેરાત કરી છે.
જે ચાહકોએ ટિકિટ ખરીદી છે તેમની માટે બે વિકલ્પ
ગુજરાત ટાઈટન્સના જણાવ્યા મુજબ, જેમણે 'બુક માય શો' (BookMyShow) દ્વારા ટિકિટ બુક કરાવી છે તેમને SMS, વોટ્સએપ અથવા ઈમેઈલ દ્વારા બે વિકલ્પ આપવામાં આવશે, જેમાં ટિકિટ ખરીદનારાઓ 21 મેએ યોજાનાર મેચ જોવા માટે ટિકિટ યથાવત્ રાખી શકશે અથવા ટિકિટ કેન્સલ કરાવીને સંપૂર્ણ રિફંડ મેળવી શકશે. જે ચાહકો રિફંડનો વિકલ્પ પસંદ કરશે, તેમને 8થી 10 દિવસોમાં રકમ પરત મળી જશે.
...તો રિફંડ નહીં મળે
ફ્રેન્ચાઈઝીએ એવું પણ કહ્યું છે કે, ટિકિટ લેનારા ચાહકોએ 20 એપ્રિલ બપોરે 12 વાગ્યા સુધીમાં પોતાનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જો ચાહકો વિકલ્પ અંગે કોઈપણ નિર્ણય નહીં લે તો તેમની ટિકિટ આપોઆપ 21 તારીખની ગણી લેવામાં આવશે. એટલે કે ટિકિટ મેળવનારાઓ 21 તારીખની મેચ જોઈ શકશે, પરંતુ તેમને રિફંડ નહીં મળે.
ફિઝિકલ ટિકિટ લેનારાઓ માટે પણ મહત્ત્વની સૂચના
આ ઉપરાંત જેમની પાસે ફિઝિકલ ટિકિટ છે, તેઓએ રિફંડ મેળવવું હોય તો ટિકિટ પરત કરવી પડશે. આ ટિકિટ કેવી રીતે પરત કરવી તેની સૂચનાઓ 21 એપ્રિલે ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ દ્વારા મેસેજ કે ઈમેઈલ દ્વારા અપાશે. ફ્રેન્ચાઇઝીએ તમામ ચાહકોને વિનંતી કરી છે કે, તેઓ સત્તાવાર માહિતી ધ્યાનથી વાંચે અને સમયમર્યાદામાં પોતાની પસંદગીની જાણ કરે.

