IPL 2025 / આ સિઝનમાં વિરાટ કોહલી રચશે ઈતિહાસ, 18મી એડિશનમાં બનાવશે આટલા રેકોર્ડ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી, હવે ભારતીય ફેન્સ IPL 2025ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. IPLની 18મી સીઝન 22 માર્ચથી શરૂ થશે. લીગની ફાઈનલ મેચ 25 મેના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે રમાશે.
પ્રથમ મેચમાં, ગઈ સિઝનના વિજેતા કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે. RCB એ તાજેતરમાં જ તેના કેપ્ટનનું નામ જાહેર કર્યું. મધ્યપ્રદેશના ક્રિકેટર રજત પાટીદારને RCBની કમાન સોંપવામાં આવી. જોકે, RCBના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આગામી સિઝનમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.
કોહલીના નામે 8000થી વધુ રન છે
વિરાટ કોહલી IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. એટલું જ નહીં, તે લીગમાં 8000થી વધુ રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન પણ છે. તેમણે 252 મેચની 244 ઈનિંગ્સમાં 8004 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે 55 અડધી સદી અને 8 સદી ફટકારી છે.
સૌથી વધુ 50 પ્લસ રનનો રેકોર્ડ
IPLની 18મી સિઝનમાં વિરાટ કોહલી ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડી શકે છે. વોર્નરે IPLમાં 66 વખત 50 પ્લસ રન બનાવ્યા છે. બીજી તરફ, વિરાટ કોહલીએ લીગમાં અત્યાર સુધીમાં 63 વખત 50થી વધુ રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં, કોહલી આ સિઝનમાં વોર્નરને પાછળ છોડી શકે છે.
IPLમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર
- ડેવિડ વોર્નર: 66 વખત
- વિરાટ કોહલી: 63 વખત
- શિખર ધવન: 53 વખત
- રોહિત શર્મા: 45 વખત
- એબી ડી વિલિયર્સ: 43 વખત
IPLમાં 1000 બાઉન્ડ્રી
IPLમાં વિરાટ કોહલીનું બેટ સારું ચાલે છે. તે 18મી સીઝનમાં પોતાના નામે એક ખાસ રેકોર્ડ બનાવી શકે છે. તેણે લીગમાં અત્યાર સુધીમાં 977 બાઉન્ડ્રી (705 ફોર અને 272 સિક્સ) ફટકારી છે. આવી સ્થિતિમાં, કોહલી પાસે 1000 બાઉન્ડ્રી ફટકારવાની તક છે. શિખર ધવને IPLમાં સૌથી વધુ ચોગ્ગા અને ક્રિસ ગેલે સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે.
IPLમાં સૌથી વધુ છગ્ગા
- ક્રિસ ગેલ: 357
- રોહિત શર્મા: 280
- વિરાટ કોહલી: 272
- મહેન્દ્ર સિંહ ધોની: 252
- એબી ડી વિલિયર્સ: 251
IPLમાં સૌથી વધુ ફોર
- શિખર ધવન: 768
- વિરાટ કોહલી: 705
- ડેવિડ વોર્નર: 663
- રોહિત શર્મા: 599
- સુરેશ રૈના: 506
આ મામલે પ્રથમ ભારતીય બનવાની તક
વિરાટ કોહલીએ 252 IPL મેચોની 244 ઈનિંગ્સમાં 8004 રન બનાવ્યા છે. એટલું જ નહીં, તેણે T20 ક્રિકેટમાં 399 મેચ રમી છે અને 382 ઈનિંગ્સમાં 12,886 રન બનાવ્યા છે. વિરાટ પાસે T20 ક્રિકેટમાં 13,000 રન બનાવનાર પ્રથમ ભારતીય બનવાની તક છે.
T20 ક્રિકેટમાં સૌથી વધુ રન
- ક્રિસ ગેલ: 14,562 રન
- એલેક્સ હેલ્સ: 13,610 રન
- કિરોન પોલાર્ડ: 13,537 રન
- શોએબ મલિક: 13,492 રન
- ડેવિડ વોર્નર: 12,913 રન
- વિરાટ કોહલી: 12,886 રન

