આજથી શરૂ થઈ રહી છે IPLની 18મી સિઝન, મેચ પહેલા ઓપનિંગ સેરેમનીમાં ચમકશે બોલિવૂડ સ્ટાર્સ

2008માં જ્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થઈ, ત્યારે બધાને સમજાયું કે તે લાંબો સમય ચાલશે. IPL પછી, ઘણી T20 લીગ શરૂ થઈ, પરંતુ કોઈપણ લીગ IPL જેટલી લોકપ્રિયતા ન મેળવી શકી. વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ હવે 18 વર્ષની થઈ ગઈ છે.
તેની નવી સિઝનનું આજે એટલે કે 22 માર્ચે ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રંગારંગ ઉદ્ઘાટન થશે. ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર્સ ચમકશે, ત્યારબાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ નવી સિઝનની પોતાની પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે રમશે.
ઓપનિંગ સેરેમનીમાં આ બોલીવૂડ સ્ટાર્સ ચમકશે
બંગાળ ક્રિકેટ એસોસિએશનના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સિંગર શ્રેયા ઘોષાલ, એક્ટ્રેસ દિશા પટણી અને પંજાબી પોપ સિંગર કરણ ઔજલા ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે. તેમની સાથે સિંગર અરિજીત સિંહ, એક્ટર વરુણ ધવન અને એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર પણ પરફોર્મ કરે તેવી અપેક્ષા છે. એક્ટર અને કોલકાતા ટીમના માલિક શાહરૂખ ખાન ઓપનિંગ સેરેમનીનું સંચાલન કરશે. એવી પણ અફવાઓ છે કે એક્ટર સલમાન ખાન તેની નવી ફિલ્મ 'સિકંદર'ના પ્રમોશન માટે ઈડન ગાર્ડન્સ આવી રહ્યો છે.
ઓપનિંગ સેરેમની સાંજે 6:00 વાગ્યે શરૂ થશે અને લગભગ 35 મિનિટ સુધી ચાલશે. મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. 10 ટીમો 65 દિવસ સુધી દેશના 13 શહેરોમાં કુલ ૭૪મેચ રમશે. IPLની ફાઈનલ 25 મેના રોજ ઈડન ગાર્ડન્સ ખાતે યોજાશે.
વરસાદ બગાડી શકે છે મેચની મજા
કોલકાતાનું આકાશ છેલ્લા બે દિવસથી વાદળછાયું છે અને ઝરમર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે શનિવારે કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને, ઈડન ગાર્ડન્સના ક્યુરેટર સુજાન મુખર્જી તેમની ટીમ સાથે સંપૂર્ણપણે સતર્ક છે. દિવસભર પિચ ઢંકાયેલી રાખવામાં આવી રહી છે.
આ સિઝનમાં ઘણા નવા કેપ્ટનો જોવા મળશે
IPL 2025માં, મોટાભાગની ટીમો નવા કેપ્ટનો સાથે મેદાનમાં ઉતરશે. આમાંના કેટલાક ખેલાડીઓ વિવિધ કારણોસર ફક્ત અમુક મેચોમાં જ તેમની ટીમનું નેતૃત્વ કરશે. સૌથી આશ્ચર્યજનક નિર્ણય RCB દ્વારા રજત પાટીદારને કેપ્ટન તરીકે નિયુક્ત કરવાનો છે. RCB પાસે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પણ છે. તેમ છતાં ટીમે પાટીદાર પર વિશ્વાસ દેખાડ્યો છે. હવે પાટીદાર ટીમનું નેતૃત્વ કેવી રીતે કરે છે તે જોવું રસપ્રદ રહેશે. અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરશે જ્યારે 2024માં KKR ચેમ્પિયન બનાવનાર શ્રેયસ અય્યર આ વખતે પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરશે.
આ વખતે KKRની કેપ્ટનશિપ અજિંક્ય રહાણેને સોંપવામાં આવી છે. સંજુ સેમસનની આંગળીમાં ઈજાને કારણે શરૂઆતની મેચોમાં રિયાન પરાગ રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ કરશે. હાર્દિક પંડ્યાને ગયા સિઝનમાં સ્લો ઓવર રેટ માટે એક મેચ માટે બેન કરવામાં આવ્યો હતો અને તેથી તે મુંબઈ ઈન્ડિયન્સની પહેલી મેચમાં નહીં રમી શકે. રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં સૂર્યકુમાર યાદવ મુંબઈનું નેતૃત્વ કરશે. IPLનો સૌથી મોંઘો ખેલાડી રિષભ પંત આ સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કરશે.
નવા નિયમો લાગુ થશે
નવા નિયમોમાં સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે બોલ પર લાળ લગાવવાનિયમ પરથી બેન હટાવી લીધો છે. આ પહેલી વાર હશે જ્યારે બોલરોને બોલ પર લાળ લગાવવાની મંજૂરી આપવામાં આવશે, જે કોવિડ-19 મહામારીને કારણે બેન હતું. BCCIએ ગુરુવારે IPL કેપ્ટનોની સંમતિ મેળવ્યા બાદ લાળ પરનો બેન હટાવવાનો નિર્ણય લીધો હતો.
અન્ય નિયમોમાં સાંજની મેચોમાં જો અમ્પાયરોને લાગે કે ઝાકળ રમતને અસર કરી રહી છે, તો બીજી ઈનિંગની 11મી ઓવરથી નવા બોલનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો સમાવેશ થાય છે. સવારે રમાતી મેચો પર આ નિયમ નહીં લાગુ પડે. આ ઉપરાંત, ટીમો હાઈટ અને ઓફસાઈડના વાઈડ માટે ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (DRS) નો પણ ઉપયોગ કરી શકે છે. ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ પહેલાની જેમ જ લાગુ રહેશે.
રોહિત અને વિરાટ પર રહેશે ફેન્સની નજર
આ વખતે રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ ફેન્સની નજરમાં રહેશે. ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં ભારતના વિજયી અભિયાનનો ભાગ રહેલા આ બંને બેટ્સમેનોએ ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. આ પછી, તે પહેલીવાર T20 ક્રિકેટ રમતા જોવા મળશે.

