IPL 2025ના શેડ્યૂલમાં થયો ફેરફાર, બદલવામાં આવ્યું આ મેચનું વેન્યુ, અહીં જાણો કારણ

IPLની 18મી સિઝન આવતીકાલથી શરૂ થઈ રહી છે. અ સિઝનનું શેડ્યૂલ પહેલેથી જ જાહેર થઈ ગયું છે. પરંતુ, હવે આ શેડ્યૂલમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. IPLની એક મેચના વેન્યુમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 6 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચેની મેચ હવે કોલકાતાને બદલે ગુવાહાટીમાં રમાશે.
વેન્યુ બદલવાનું કારણ
કોલકાતા પોલીસે રામ નવમીનો ઉલ્લેખ કરીને તે દિવસે મેચ માટે પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી, જેના પગલે બંગાળ ક્રિકેટ એસોસિએશનએ KKR મેનેજમેન્ટ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને જાણ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, KKR ટીમ મેનેજમેન્ટ આ મેચ તેના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમવા માંગતું હતું. તેણે મેચની તારીખ બદલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ BCCIએ તેનો ઇનકાર કર્યો અને ગુવાહાટીના બરસાપાડા ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ યોજવાનો નિર્ણય લીધો છે.
આ પહેલા પણ બન્યું હતું
નોંધનીય છે કે ગયા વર્ષે પણ કોલકાતા-રાજસ્થાન મેચ 17 એપ્રિલ, રામનવમીના દિવસે ઈડન ગાર્ડન ખાતે યોજાવાની હતી. તે સમયે પણ કોલકાતા પોલીસે પોતાની અસમર્થતા વ્યક્ત કરી હતી, ત્યારબાદ મેચ એક દિવસ પહેલા એટલે કે 16 એપ્રિલ રમાડવામાં આવી હતી, જોકે આ વખતે વેન્યુ બદલવામાં આવ્યું છે. આનાથી કોલકાતાના ક્રિકેટ પ્રેમીઓ નિરાશ થયા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન KKR નવી સિઝનની પોતાની પહેલી મેચ 22 માર્ચે ઈડન ગાર્ડન ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે રમશે.
કોલકાતા ટાઈટલ ડીફેન્ડ કરવા મેદાનમાં ઉતરશે
આ વખતે કોલકાતાની ટીમ પોતાના ટાઈટલ ડીફેન્ડ કરવા માટે આવશે. આ ટીમે ગયા વર્ષે શ્રેયસ અય્યરની કેપ્ટનશિપમાં ટાઈટલ જીત્યું હતું, જે તેનું ત્રીજું ટાઈટલ હતું. મેન્ટર ગૌતમ ગંભીરના આગમન પછી, કોલકાતાએ 10 વર્ષના દુષ્કાળનો અંત લાવ્યો. જોકે, આ સિઝનમાં ગંભીર કે અય્યર બંને ટીમમાં નથી. ગંભીર ટીમ ઈન્ડિયાનો હેડ કોચ છે અને અય્યરને ટીમ દ્વારા રિટેન નહતો કરવામાં આવ્યો, જેના કારણે તેને આ મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. આ વખતે તે પંજાબનો કેપ્ટન છે.

