VIDEO: ભારતીય મહિલા હોકી ટીમે 44 વર્ષ બાદ ગોલ્ડ જીત્યો
ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સ 2026માં 44 વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઇનલમાં ભારતે ચીનને 1-0થી હરાવી ઐતિહાસિક જીત નોંધાવી છે. ભારત માટે એકમાત્ર ગોલ લાલરેમસિયામીએ 10મી મિનિટે કર્યો હતો. આ પહેલાં ભારતે 1982માં દક્ષિણ કોરિયાને હરાવીને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જીત સાથે ભારતીય મહિલા હોકી ટીમે 2028ના લોસ એન્જેલસ ઓલિમ્પિક માટે સીધું ક્વોલિફિકેશન મેળવ્યું છે. ફાઇનલના પ્રથમ ક્વાર્ટરમાં ભારતે આક્રમક રમત સાથે દબદબો જમાવ્યો હતો. સલીમા ટેટે અને સાક્ષીના શાનદાર મૂવ બાદ લાલરેમસિયામીએ રિવર્સ-હિટથી ગોલ કરી ભારતને લીડ અપાવી હતી. બીજા ક્વાર્ટરમાં ચીને આક્રમક રમત દર્શાવી અને બે પેનલ્ટી કોર્નર સાથે એક પેનલ્ટી સ્ટ્રોક મેળવ્યો હતો. જોકે ઝાંગ યિંગના પેનલ્ટી સ્ટ્રોકને ભારતીય ગોલકીપર સવિતા પુનિયાએ શાનદાર બચાવ કરીને નિષ્ફળ બનાવ્યો. ત્રીજા ક્વાર્ટરમાં પણ ચીને અનેક હુમલા કર્યા, પરંતુ ભારતીય ગોલકીપર અને ડિફેન્ડર્સે તમામ પ્રયાસો નિષ્ફળ બનાવ્યા. રિવ્યૂ બાદ ચીનને મળેલો પેનલ્ટી સ્ટ્રોક પણ પેનલ્ટી કોર્નરમાં બદલાયો હતો.

