T20 વર્લ્ડ કપ પહેલા વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન, સ્ટાર ખેલાડીના અનફિટ હોવાના સમાચાર સામે આવ્યા
ટીમ ઈન્ડિયા 11 જાન્યુઆરીથી ઘરેલુ મેદાન પર ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની ODI સિરીઝ રમવાની છે. આ સિરીઝ પૂર્ણ થયા પછી ટીમ 21 જાન્યુઆરીથી કિવી સામે 5 મેચની T20 સિરીઝ પણ રમશે. 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા આગામી T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની તૈયારીઓ માટે ન્યુઝીલેન્ડ સામેની T20 સિરીઝ મહત્ત્વપૂર્ણ રહેશે. T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની સ્કવોડની જાહેરાત કરવામાં આવી છે, તે જ ખેલાડીઓ ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં પણ રમશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા સ્ટાર ખેલાડી તિલક વર્માને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે, અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે તે ઈજાથી પીડાઈ રહ્યો છે.
તિલક વર્માને સર્જરી કરાવવી પડી શકે છે
અભિષેક શર્મા ઉપરાંત 2025માં T20 ફોર્મેટમાં ર્તિમ ઈન્ડિયાને સૌથી વધુ પ્રભાવિત કરનાર બેટ્સમેન તિલક વર્મા હતો, જેનું ફોર્મ ગયા વર્ષના અંતમાં સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં પણ સ્પષ્ટ જોવા મળ્યું હતું. એક અહેવાલ મુજબ, તિલક વર્મા હાલમાં પેટની ઈજાથી પીડાઈ રહ્યા છે, જેને લઈને સર્જરી કરાવવાનો નિર્ણય લેવામાં આવી શકે છે, જો તે સર્જરી કરાવે છે તો તેને સંપૂર્ણપણે સ્વસ્થ થવામાં ત્રણથી ચાર અઠવાડિયા લાગી શકે છે. આ કિસ્સામાં, તે T20 વર્લ્ડ કપ 2026 શરૂ થાય તે પહેલા સંપૂર્ણપણે ફિટ થઈ જશે, પરંતુ તે ચોક્કસપણે ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ ચૂકી શકે છે.
રાજકોટમાં વિજય હજારે ટ્રોફીની મેચ રમતી વખતે તિલક વર્માને તેની ઈજા વિશે ખબર પડી. ત્યારબાદ તેણે બેંગલુરુમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સના ડોકટર્સનો સંપર્ક કર્યો. તેના સ્કેન અને અન્ય રિપોર્ટ્સની સમીક્ષા કર્યા પછી, ડોકટર્સે સર્જરી કરાવવાની સલાહ આપી છે, જેને સંપૂર્ણપણે ઠીક થવામાં ત્રણથી ચાર અઠવાડિયા લાગી શકે છે. આ સ્થિતિમાં તેવી શક્યતા ઓછી છે કે BCCI દ્વારા ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ માટે તિલકને બદલે અન્ય ખેલાડીનું નામ જાહેર કરવામાં આવે.
શ્રેયસ અય્યર સંપૂર્ણપણે ફિટ છે
ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયા માટે એકમાત્ર સારા સમાચાર શ્રેયસ અય્યરની સંપૂર્ણ ફિટ થવાની ઘોષણા છે. BCCI મેડિકલ ટીમે કિવી સામેની ODI સિરીઝ માટે અય્યરને સંપૂર્ણપણે મેચ-ફિટ જાહેર કર્યો છે. આ સિરીઝ પહેલા વિજય હજારે ટ્રોફીના અંતિમ લીગ સ્ટેજમાં અય્યર મુંબઈ અને હિમાચલ પ્રદેશ વચ્ચેની મેચમાં રમ્યો હતો, જેમાં તેણે શાનદાર પ્રદર્શન કરતા 53 બોલમાં 82 રન બનાવ્યા હતા. હવે તે ODI સિરીઝ માટે ટીમનો ભાગ બનશે.

