Women's World Cup 2025 / સેમીફાઈનલ પહેલા વધ્યું ભારતનું ટેન્શન, બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થઈ ઓપનર

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ ICC વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025ના સેમીફાઈનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ સુરક્ષિત કરી ચૂકી છે. ટીમ ઈન્ડિયાએ નવી મુંબઈના મેદાન પર બાંગ્લાદેશ વિમેન્સ ટીમ સામે લીગ સ્ટેજની પોતાની છેલ્લી લીગ મેચ રમી હતી. વરસાદને કારણે બાંગ્લાદેશ 27 ઓવરમાં ફક્ત 119 રન જ બનાવી શક્યું. આ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ભારતની ઓપનિંગ બેટ્સમેન પ્રતિકા રાવલને ગંભીર ઈજા થઈ અને તેને તાત્કાલિક મેદાનની બહાર લઈ જવામાં આવી હતી. સેમીફાઈનલ મેચ પહેલા પ્રતિકાની ઈજા ટીમ ઇન્ડિયા માટે મોટી ચિંતાનો વિષય બની શકે છે.
પ્રતિકાને પગની ઘૂંટી અને ઘૂંટણમાં ઈજા થઈ
બાંગ્લાદેશ વિમેન્સ ટીમની ઈનિંગ દરમિયાન, શર્મિન અખ્તરે 21મી ઓવરના છેલ્લા બોલ પર મિડ-વિકેટ તરફ શોટ રમ્યો. ત્યાં ફિલ્ડિંગ કરતી પ્રતિકા રાવલે બોલને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પોતે ઘાયલ થઈ ગઈ. BCCIની મેડિકલ ટીમે પ્રતિકા રાવલની ઈજા અંગે અપડેટ પણ આપ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેને પગની ઘૂંટી અને ઘૂંટણમાં ઈજા થઈ છે અને હાલમાં તે મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. પ્રતિકા ઈજાગ્રસ્ત થઈ ત્યારે તેને ખૂબ દુખાવો થતો હતો. શરૂઆતમાં, એવું લાગતું હતું કે તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવામાં આવશે, પરંતુ પછીથી તેણે સપોર્ટ સ્ટાફની મદદથી મેદાન છોડ્યું હતું.
પ્રતિકા બેટિંગ નહતી ઉતરી
બાંગ્લાદેશે મેચમાં 120 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પ્રતિકા ટીમ ઈન્ડિયા માટે ઈનિંગ ઓપન કરવા નહતી ઉતરી, તેના બદલે અમનજોત કૌર સ્મૃતિ મંધાના સાથે ઓપનિંગ કરવા આવી હતી. બંનેએ ટીમને સારી શરૂઆત અપાવી હતી, જેમાં બંને વચ્ચે 50 રનની પાર્ટનરશિપ થઈ હતી. આ પછી વરસાદને કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી.
પ્રતિકાનું અત્યાર સુધીનું શાનદાર ફોર્મ
વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025માં પ્રતિકા રાવલનું બેટ સાથે ઉત્તમ ફોર્મ જોવા મળ્યું છે, તેણે 6 ઈનિંગ્સમાં 51.33ની એવરેજથી 308 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં, જો પ્રતિકા રાવલ 30 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિમેન્સ ટીમ સામેની સેમીફાઈનલ મેચમાંથી બહાર થઈ જાય છે, તો તે ટીમ ઈન્ડિયા માટે એક મોટો ઝટકો માનવામાં આવશે કારણ કે પ્રતિકા અને સ્મૃતિની ઓપનિંગ જોડીએ અત્યાર સુધી છેલ્લી કેટલીક મેચોમાં ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત આપી છે.

