ઈજાના કારણે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થયો ભારતીય ઓલરાઉન્ડર, તેના બદલે આ ખેલાડીને મળી શકે છે સ્થાન

અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝમાં ક્લીન સ્વીપ કરનાર ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. હાર્દિક પંડ્યા પછી ભારતનો બીજા ક્રમનો અગ્રણી ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી પણ ક્વાડ્રિસેપ્સ ઈજાને કારણે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે.
ભારતીય ટીમ મંગળવારે બંને દેશો વચ્ચે બે મેચની T20 સિરીઝ માટે આયર્લેન્ડ રવાના થઈ ગઈ છે. આ પછી, ટીમ ઈંગ્લેન્ડમાં ત્રણ ODI અને પાંચ T20 મેચ રમશે. નીતિશને ત્રણેય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું અને હાર્દિકની ગેરહાજરીમાં મોટાભાગની મેચોમાં રમવાની અપેક્ષા હતી.
મુશ્કેલી ઊભી થઈ છે
નીતિશને અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝ દરમિયાન જાંઘમાં દુખાવો થયો હતો. આ કારણે, તે બીજી ODIમાં પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન નહતો મેળવી શક્યો. તે હવે ત્રણ અઠવાડિયા માટે ટીમની બહાર છે. તેની ગેરહાજરીમાં, પસંદગીકારો ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગેને તક આપવાનું વિચારી શકે છે. સૂર્યાંશે સ્થાનિક ક્રિકેટ અને તાજેતરની ટુર્નામેન્ટમાં તેના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે.
શ્રેયસની પહેલી પરીક્ષા
નવા T20 કેપ્ટન શ્રેયસ અય્યરના નેતૃત્વમાં ભારતીય ટીમ પહેલીવાર આયર્લેન્ડ સામે મેદાનમાં ઉતરશે. કેપ્ટન બન્યા પછી આ અય્યરની આ પહેલી T20 સિરીઝ હશે. તેથી, તેને તેની કેપ્ટનશિપની પહેલી મોટી કસોટી માનવામાં આવે છે. ભારતીય ખેલાડીઓ મંગળવારે આ પ્રવાસ માટે રવાના થયા છે, જ્યારે કોચ બુધવારે રવાના થાય તેવી અપેક્ષા છે. શ્રેયસને એવા સમયે ટીમની કમાન સોંપવામાં આવી છે જ્યારે ભારત તાજેતરના વર્ષોમાં T20 ક્રિકેટમાં અત્યંત સફળ રહ્યું છે.
ભૂતપૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોતાની આક્રમક વિચારસરણી અને અસરકારક નેતૃત્વથી ટીમને એક નવી ઓળખ આપી. તેની કેપ્ટનશિપ હેઠળ ભારતે T20 વર્લ્ડ કપ પણ જીત્યો. પરિણામે, અય્યર સ્વાભાવિક રીતે અપેક્ષાઓના દબાણ હેઠળ રહેશે.

