દિલ્હીમાં WIએ વળતો જવાબ આપ્યો, આજે જીતતા-જીતતા રહી ગયું ભારત

IND vs WIની બીજી ટેસ્ટ દિલ્હીમાં યોજાઈ છે. જેનો આજે ચોથો દિવસ હતો. ભારત આજે આ મેચ અને સિરિઝ જીતતા-જીતતા ચૂકી ગયું છે. હવે ભારતે આવતીકાલ સુધીની રાહ જોવી પડશે. કેમ કે, ટેસ્ટના ચોથા એટલે કે આજના દિવસે વેસ્ટ ઈન્ડિઝના બે ખેલાડીઓએ ભારતને વળતો જવાબ આપ્યો હતો અને ભારતને 121 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં દિવસના અંતે ભારતે 18 ઓવરમાં 1 વિકેટના નુકસાને 63 રન બનાવ્યા હતા. ભારતને મેચ અને સિરિઝ જીતવા માટે હવે માત્ર 58 રનની જરૂર છે.
4 દિવસની કહાની
બીજી ટેસ્ટમાં ભારતે પ્રથમ ઇનિંગમાં 518 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ ઇનિંગમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ફોલો-ઓન મળ્યા પછીની ઇનિંગમાં 390 રન બનાવી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના જોન કેમ્પબેલે 115 અને શાઈ હોપે 103 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ચોથા દિવસે ભારતની બીજી ઇનિંગમાં જયસ્વાલ 8 રન બનાવી આઉટ થયો હતો. રાહુલ 25 રન અને સાઈ સુદર્શન 30 રન બનાવી અણનમ રહ્યા હતા.
ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં ચોથીવાર આવું બન્યું
વેસ્ટ ઈન્ડિઝે બીજા દાવમાં 270 રનનો સ્કોર પાર કરતાની સાથે જ એ વાત નક્કી થઈ ગઈ હતી કે ભારતે ચોથી ઇનિંગમાં પણ બેટિંગ કરવી પડશે. છેલ્લે આવું નવેમ્બર 2012માં બન્યું હતું. ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં આવું ફક્ત ચોથીવાર બન્યું છે. જેમાં ફોલો-ઓન આપ્યા પછી પણ ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરવી પડી.

