IND vs SA / શ્રેયસ અય્યર બહાર થયો તો નંબર 4 પર કોણ કરશે બેટિંગ? આ ખેલાડી લઈ શકે છે તેનું સ્થાન

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બે મેચની ટેસ્ટ સિરીઝ પછી 30 નવેમ્બરથી ત્રણ મેચની ODI સિરીઝ રમાશે. આ ODI સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત હજુ સુધી નથી કરવામાં આવી. જોકે, આ સિરીઝ માટે ભારતીય ODI ટીમમાં ફેરફાર થવાની અપેક્ષા છે. ટીમનો વાઈસ-કેપ્ટન શ્રેયસ અય્યર ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયો હતો.
ઈજાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે, એવા અહેવાલો છે કે શ્રેયસની સાઉથ આફ્રિકા સામે રમવાની શક્યતા ઓછી છે. તે આ સિરીઝ માટે પોતાની ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ નહીં થઈ શકે. આનાથી એ પ્રશ્ન ઉભો થાય છે કે, જો શ્રેયસ બહાર થયો તો નંબર 4 પર કોણ બેટિંગ કરશે?
શ્રેયસ અય્યર ODI સિરીઝમાંથી બહાર થશે?
શ્રેયસ અય્યર ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં નંબર 4 પર રમવા ઉતર્યો જતો. અય્યરે 2023 ODI વર્લ્ડ કપ સહિત અનેક પ્રસંગોએ નંબર 4 પર બેટિંગ કરીને સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ હવે જ્યારે તે ઈજાગ્રસ્ત છે, ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ પદ કોણ ભરશે. એક અહેવાલ મુજબ, BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝમાં અય્યરની ભાગીદારી શંકાસ્પદ છે. અય્યરને મેચ ફિટનેસ મેળવવા માટે સમયની જરૂર પડશે.
બોર્ડ તેની ઈજા પર નજર રાખી રહ્યું છે અને તે કોઈપણ બાબતમાં ઉતાવળ નથી કરવા માંગતું. અય્યરને સ્વસ્થ થવામાં ઓછામાં ઓછો એક મહિનો લાગશે. જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ સુધીમાં અય્યર સંપૂર્ણપણે ફિટ થઈ જશે.
નંબર 4 પર શ્રેયસનું સ્થાન કોણ લેશે?
જો શ્રેયસ અય્યરને સાઉથ આફ્રિકા સામેની ODI ટીમમાંથી બહાર કરવામાં આવે છે, તો રિષભ પંત અથવા તિલક વર્મામાંથી કોઈ એકને ટીમમાં સામેલ કરી શકાય છે. પંત હવે સંપૂર્ણપણે ફિટ છે અને તેને ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ પણ કરવામાં આવ્યો છે. પંત અને તિલક બંને અય્યરની જગ્યાએ નંબર 4નું સ્થાન સંભાળી શકે છે.
જોકે, અય્યરને નંબર 4 પર બદલવા માટે તિલક વર્માને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. તિલક તાજેતરમાં T20I સિરીઝમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. તિલક એશિયા કપ 2025ની ફાઇનલમાં મેચ વિનિંગ ઈનિંગ રમ્યો હતો. હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા પણ આ સિરીઝ માટે ટીમમાં પાછા આવી શકે છે.
કેવી રીતે ઘાયલ થયો?
તમને જણાવીએ દઈએ કે શ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ODI સિરીઝ માટે ભારતીય ટીમના વાઈસ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. અય્યર ત્રીજી અને છેલ્લી મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ઘાયલ થયો હતો. હર્ષિત રાણાના બોલ પર ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એલેક્સ કેરીનો કેચ લેવા જતી વખતે તેને ડાબી પાંસળીમાં ઈજા થઈ હતી, જેના કારણે તેને ICUમાં દાખલ કરવો પડ્યો હતો.

