ખેલાડીઓ કેવી રીતે જીતશે મેડલ? જાપાનમાં ભારતીય એથ્લેટ્સને ટ્રાન્સપોર્ટ અને મુસાફરીની ભારે સમસ્યાઓ

એશિયન ગેમ્સમાં લોજિસ્ટિક્સ પડકારો છતાં ભારતને શૂટિંગમાં મેડલની આશા સેવી રહી છે. લોજિસ્ટિક્સની ગંભીર સમસ્યાઓ છતાં, શૂટિંગ રેન્જમાં ભારતની સફળતાની આશા અકબંધ છે. આજે પુરુષોના 10 મીટર એર રાઈફલ વ્યક્તિગત અને ટીમ ઈવેન્ટ્સમાં મેડલ જીતવાની તકો ભારત પાસે રહેશે.
ટ્રાન્સપોર્ટ અને મુસાફરીની ભારે સમસ્યાઓ
જાપાનમાં યોજાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય શૂટિંગ ટીમને યાત્રા અને ટ્રાન્સપોર્ટને લગતી ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે વારંવાર થઈ રહેલા વિલંબથી મહત્ત્વની ઈવેન્ટ્સ પહેલાના ટ્રેનિંગ શેડ્યૂલ પર માઠી અસર પડી છે. 15 સપ્ટેમ્બરે પહોંચ્યા ત્યારથી જ શૂટર્સ અને કોચને એરપોર્ટ તેમજ બસ પિક-અપ પોઈન્ટ પર લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. જ્યારે ભીડભાડવાળી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાએ તૈયારીઓને વધુ કઠિન બનાવી દીધી છે.
કોચ અને એથ્લીટ્સની હાલાકી
અહેવાલ મુજબ, 17 સપ્ટેમ્બરે અનેક એથ્લીટ્સ અને કોચ બસો માટે 3 કલાક સુધી રાહ જોતા રહ્યા હતા. જોકે, 18 અને 19 સપ્ટેમ્બરે વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છતાં ટીમનાં તમામ સભ્યો ટ્રેનિંગ માટે શૂટિંગ રેન્જ સુધી પહોંચી શક્યા નહોતા. 20 સપ્ટેમ્બરે સ્થિતિ વધુ વણસી ગઈ હતી જ્યારે પૂરતી બેઠકો ઉપલબ્ધ ન હોવાને કારણે કેટલાક કોચને બસમાંથી નીચે ઉતરવું પડ્યું હતું. ટ્રેનિંગ સેશન શરૂ કરતા પહેલા શૂટર્સને પોતાના કોચના આગમનની રાહ જોવી પડી હતી.
ટ્રેનિંગ યોજનાઓમાં મોટો અવરોધ
21 સપ્ટેમ્બરે વેન્યુ પર ભારે ભીડ અને એન્ટ્રી માટેની લાંબી લાઈનોને કારણે ટીમને બસોની અંદર વધુ 20 મિનિટ સુધી રાહ જોવી પડી હતી. આયોજકોએ મુસાફરીમાં સરેરાશ 80 મિનિટનો સમય લાગવાનું અનુમાન કર્યું હતું, પરંતુ હવે સમાચાર છે કે આ સફરમાં બે કલાક કરતાં વધુ સમય વીતી રહ્યો છે, જેનાથી ભારતની ટ્રેનિંગ યોજનાઓમાં મોટો અવરોધ ઊભો થઈ રહ્યો છે.

