'ભગવા' જર્સી પર હોકી ઈન્ડિયાએ તોડ્યું મૌન, જણાવ્યું શા માટે પસંદ કર્યો આ રંગ

હોકી ઈન્ડિયાએ જર્સીના 'ભગવા' રંગ પર વાત કરી છે. આવતા મહિને યોજાનાર હોકી વર્લ્ડ કપ 2026 માટે ભારતીય પુરુષ અને મહિલા ટીમો માટે કેસરી રંગ પસંદ કરવામાં આવ્યો હતો. ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરેન રાસ્કિન્હાએ આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. હવે, હોકી ઈન્ડિયાએ પોતાનું મૌન તોડ્યું છે અને આ રંગ કેમ પસંદ કરવામાં આવ્યો તે જણાવ્યું છે.
વાદળીને બદલે કેસરી રંગ કેમ પસંદ કરવામાં આવ્યો?
જર્સીના રંગ અંગે નિવેદન જારી કરતા હોકી ઈન્ડિયાએ કહ્યું, "અમે તમને જણાવવા માંગીએ છીએ કે જર્સીનો રંગ બદલવાનો નિર્ણય સપોર્ટ સ્ટાફ અને ખેલાડીઓની ભલામણો અને તેમની સાથે વ્યાપક ચર્ચાના આધારે લેવામાં આવ્યો હતો."
તેણે આગળ જણાવ્યું, "પ્રારંભિક વિચારણા ટેકનિકલ હતી. એવું જોવા મળ્યું કે વાદળી જર્સી વાદળી કૃત્રિમ રમત સપાટી સાથે ભળી જશે, જે હવે આંતરરાષ્ટ્રીય હોકી મેદાન માટે પ્રમાણભૂત રંગ છે. આ દ્રશ્ય સમાનતથી મેદાન પર ખેલાડીઓની સ્પષ્ટતા અને દૃશ્યતા પર અસર થાય."
હોકી ઈન્ડિયાએ જર્સીનું અનાવરણ કરતો એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, "ભારતની નવી જર્સી રજૂ કરી રહ્યા છીએ! દરેક ટાંકો એક વાર્તા કહે છે. દરેક પેટર્ન, દરેક રંગ ભારતના ગૌરવને રજૂ કરે છે. અમારી ટીમો FIH હોકી વર્લ્ડ કપ બેલ્જિયમ અને નેધરલેન્ડ્સ 2026માં ફરી એકવાર દેશને ગૌરવ અપાવવા માટે તૈયાર છે."
ભૂતપૂર્વ કેપ્ટને કેસરી રંગ વિશે શું કહ્યું?
જર્સીના ભગવા રંગ વિશે, ભૂતપૂર્વ કેપ્ટન વિરેન રાસ્કિન્હાએ સોશિયલ મીડિયા પર લખ્યું, "હું જરૂર કહીશ કે હોકી ઈન્ડિયાએ ભારત માટે ઘણા સારા કાર્યો કર્યા છે, પરંતુ આ શરમજનક છે. ભારતીય ટીમની ઓળખ અને વારસો હંમેશા 'વાદળી' રંગ રહ્યો છે. મેં ઘણા વર્ષો સુધી ગર્વથી વાદળી જર્સી પહેરી છે. ફેન્સ આપણી ભારતીય ટીમને વાદળી રંગમાં જોવા માંગે છે. નારંગી રંગ પાછળનો તર્ક શું છે?"

